AHAVADANG

ડાંગમાં 108 એમ્બ્યુલન્સની ટીમે રસ્તામાં કરાવી સફળ ડિલિવરી, નવજાતનો જીવ બચાવ્યો..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં 108 આહવા-1 એમ્બ્યુલન્સની ટીમે ફરી એકવાર પોતાની કર્તવ્યનિષ્ઠા અને સમયસૂચકતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.ગંભીર સ્થિતિમાં સિવિલ હોસ્પિટલ વલસાડ ખાતે રિફર કરાયેલા એક ગર્ભવતી મહિલાની રસ્તામાં જ સફળ ડિલિવરી કરાવી નવજાત બાળકીનો જીવ બચાવ્યો હતો.પ્રાપ્ત માહિતી અનુસાર, પાંડરપાડા ગામના 24 વર્ષીય શારદાબેન આશિષભાઈ બાગુલને 7 મહિનાની પ્રેગ્નન્સી અને હાઈપરટેન્શનની સમસ્યા હોવાથી આહવા સિવિલ હોસ્પિટલથી વધુ સારવાર માટે વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા હતા. 108 એમ્બ્યુલન્સ (આહવા-1) દ્વારા તેમને વલસાડ લઈ જવામાં આવી રહ્યા હતા તે દરમિયાન રાનકુવા નજીક તેમને પ્રસુતિ પીડા ઉપડી હતી.આ કપરી પરિસ્થિતિમાં 108 એમ્બ્યુલન્સના EMT સુનિલભાઈ કુંવર અને પાઈલટ સમીરભાઈ કે. સૈયદની ટીમે સહેજ પણ સમય બગાડ્યા વિના એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરાવવાનો નિર્ણય કર્યો હતો. તેમણે અત્યંત કુશળતાપૂર્વક ડિલિવરી કરાવી, પરંતુ જન્મ સમયે બાળકીનું વજન ઓછું હતુ. અને તે રડતી કે હલનચલન કરતી નહોતી.આ જોઈને EMT સુનિલભાઈ કુંવરે તાત્કાલિક બાળકીને CPR આપવાનું શરૂ કર્યું અને એમ્બુયલન્સ બેગ દ્વારા ઓક્સિજન પૂરો પાડ્યો. 108નાં ERCP ફિઝિશિયન ડોક્ટર યશ સાહેબે પણ ફોન પર સતત માર્ગદર્શન પૂરું પાડ્યું હતુ. આ સમયસરની અને સઘન સારવારના પરિણામે બાળકીનો જીવ બચી ગયો.ત્યારબાદ, માતા અને બાળકી બંનેને વધુ સારવાર માટે તાત્કાલિક વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા.આશિષભાઈ બાગુલે 108 ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.અને 108નાં પ્રોગ્રામ મેનેજર હેમંત સોલંકી અને EME વિજયભાઈ ગામીત આહવા-1 લોકેશનના EMT સુનિલભાઈ કુંવર અને પાઈલટ સમીરભાઈ કે. સૈયદની ટીમને તેમના આ પ્રશંસનીય કાર્ય બદલ પ્રોત્સાહિત કર્યા હતા.આ ઘટનાએ ફરી એકવાર 108 એમ્બ્યુલન્સ સેવા ગુજરાતની જીવાદોરી સમાન હોવાનું પુરવાર કર્યું છે..

Back to top button
error: Content is protected !!