AHAVADANGGUJARAT

સુબીરનાં એક ગામમાં પતિ દ્વારા એક મહિનાના બાળકને છીનવી લઈને મહિલાને ઘરમાંથી કાઢી મૂકતા 181 અભયમ મદદે પહોંચી

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સુબીર તાલુકાનાં એક ગામની મહિલા માટે 181 અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ ફરી એકવાર સંકટમોચન બની છે. પતિ દ્વારા એક મહિનાના બાળકને છીનવી લઈને ઘરમાંથી કાઢી મૂકવામાં આવેલી પીડિત મહિલાને 181 ટીમે મદદ કરી તેનું બાળક પરત અપાવ્યુ હતુ.પ્રાપ્ત માહિતી અનુસાર, સુબીર તાલુકાના એક ગામની પીડિત મહિલા આહવા ખાતેના સખી વન સ્ટોપ સેન્ટર પર પહોંચી હતી.ત્યાં તેમણે કાઉન્સિલર રેખાબેનને જણાવ્યુ કે તેમના પતિએ તેમનું એક મહિનાનું બાળક લઈ લીધું છે અને તેમને ઘરમાંથી કાઢી મૂક્યા છે, જેથી તેમને તેમનું બાળક પાછું જોઈએ છે.રેખાબેને પીડિત મહિલાની આપવીતી સાંભળીને તરત જ 181 મહિલા હેલ્પલાઈન પર કોલ કરીને જાણ કરી હતી. કોલ મળતા જ 181 અભયમ આહવા ટીમના કાઉન્સેલર નેહા મકવાણા, જીઆરડી રમીલાબેન અને પાયલોટ મીકેશભાઈ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા.ટીમે પીડિત મહિલાને તેમનું એક મહિનાનું સ્તનપાન કરતું બાળક પરત અપાવ્યુ હતું.પીડિત મહિલાના પતિ ઘરે હાજર ન હોવાથી, ટીમે તેમની જેઠાણી અને ગામના લોકોને કાયદાકીય માહિતી આપીને સમજાવ્યુ હતુ કે પીડિત મહિલા પણ આ ઘરની સભ્ય છે અને તેમને ઘરમાંથી કાઢી શકાય નહીં. જો તેમની સાથે મારઝૂડ કરવામાં આવશે તો ઘરેલુ હિંસા કાયદા હેઠળ કાર્યવાહી થશે.પીડિત મહિલા પોતાની સાસરીમાં જ રહેવા માંગતી હોવાથી, ગામના આગેવાનો અને કારભારીની જવાબદારી હેઠળ તેમને સુરક્ષિત રીતે તેમની સાસરીમાં સોંપવામાં આવ્યા હતા.પોતાનું બાળક પરત મળતા પીડિત મહિલાએ 181 અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો.આ ઘટનામાં ફરી એકવાર ડાંગની 181 મહિલા અભયમ ટીમ પીડિત મહિલાઓ માટે આશાનું કિરણ બનીને ઊભરી આવી છે.

Back to top button
error: Content is protected !!