VALSADVALSAD CITY / TALUKO

શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ રાષ્ટ્રીય વિજેતા બની : CII – IGBC દ્વારા યોજાયેલ “ગ્રીન યોર સ્કૂલ’’ સ્પર્ધામાં 3 વિધાર્થિનીઓએ મેળવ્યું પ્રથમ સ્થાન

વલસાડ: ૧૩ ડિસેમ્બર

ગ્રીન ઇન્ડિયા બનાવવા માટે સરકાર અને સમાજ દ્વારા અનેક પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. લોકો, પર્યાવરણ અને સ્થાનોના રક્ષણને પ્રાથમિકતા આપતા માનવ નિર્મિત પર્યાવરણને સક્ષમ બનાવવા અને 2025 સુધીમાં ભારતને આ ક્ષેત્રમાં વૈશ્વિક નેતા બનાવવાના ધ્યેયથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઉદ્દઘાટિત ઈન્ડિયન ગ્રીન બિલ્ડિંગ કાઉન્સિલ (IGBC)- જે કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી (CII) નો ભાગ છેદ્વારા હાલમાં બેંગ્લોર ખાતેગ્રીન યોર સ્કૂલસ્પર્ધાનું આયોજન કરાયું હતું. પૂજ્ય ગુરૂદેવશ્રી રાકેશજી પ્રેરિત શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલ આ સ્પર્ધાનું રાષ્ટ્રીય વિજેતા બન્યું હતું. તેની 3 વિદ્યાર્થીનીઓ રાજલ પંડ્યા, તૃપ્તિ ભોયા અને યોગીની ભુસારાના તેજસ્વી પ્રતિનિધિત્વના પરિણામ રૂપે તેઓએઇનોવેશન આઈડિયાકેટેગરીમાં પ્રથમ સ્થાન મેળવી માત્ર શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલનું નહિ પણ સમગ્ર ગુજરાત રાજ્યનું ગૌરવ વધાર્યું હતું. કર્ણાટકના ફોરેસ્ટ, ઈકોલોજી એન્ડ એન્વાયર્નમેન્ટના મીનીસ્ટરશ્રી ઈશ્વર ખંડરે અને અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં શ્રીમદ્ રાજચંદ્ર ગુરુકુલને આ પ્રતિષ્ઠિત પુરસ્કાર એનાયત કરાયો હતો જેના ભાગરૂપે તેઓને ટ્રોફી, પ્રમાણપત્ર અને ₹. 3 લાખની ઈનામી રકમથી નવાજવામાં આવ્યા હતા.

“ગ્રીન યોર સ્કૂલ’’ કાર્યક્રમનો મુખ્ય હેતુ શાળાઓને પર્યાવરણ અનુલક્ષી વિચારો રજૂ કરવા પ્રોત્સાહન આપવાનો હતો જેથી તેઓ વર્તમાન શાળાના કૅમ્પસને ગ્રીન સ્કૂલમાં પરિવર્તિત કરી કાર્બન ફૂટપ્રિન્ટ્સની અસરને ઘટાડી શકે અને સાથે પર્યાવરણ શિક્ષણ દ્વારા સમાજમાં તેના રક્ષણ અર્થે જાગૃતિ  ફેલાવી શકે. શ્રીમદ્ રાજચંદ્ર લવ એન્ડ કેર અંતર્ગત પર્યાવરણસુરક્ષા અને શૈક્ષણિક સેવા ટીમના ઉત્સાહી સેવકોના માર્ગદર્શન અને શિક્ષકોના સહકારથી આ વિદ્યાર્થીનીઓએ ખુબ ધગશ અને ઉત્સાહથી 5 નવીન પ્રોજેક્ટસ બનાવ્યા જેમ કે અપસાયક્લ સાઉન્ડ ગાર્ડન જેમાં તેઓએ નકામી વસ્તુઓમાંથી સંગીતના સાધનો બનાવ્યા, સૌર ઊર્જાથી ચાલતા સોલાર લૅમ્પ, સૂકા નાળિયેર માંથી વાટકા બનાવી તેને પોલિશ કરવા માટેનું ઇકો-ફ્રેન્ડલી મશીન, ખાદ્ય પદાર્થના કચરામાંથી ખાતર બનાવવા માટેની સાયકલ, ગોબરમાંથી ઇંટો તથા દીવાલ પર લગાવવાના પેઇન્ટ બનાવ્યા. આ ઉપરાંત આયુર્વેદિક ઔષધશાળાઓ દ્વારા  ગામડાના લોકોને આયુર્વેદિક વનસ્પતિઓથી માહિતગાર કરી તેની વાવણી તેમજ તેમાંથી અર્ક કાઢવાની પદ્ધતિઓ શિખવાડવી, વાંસની વાડો બાંધવી, જીવાત અને પ્રાણીઓથી છોડને રક્ષણ આપતા કવર વાપરવા અને સ્વસ્થ આરોગ્ય હેતુ કુદરતી ગળપણના વપરાશને પ્રોત્સાહન આપ્યું હતું.

આ વર્ષે ભારતના તમામ રાજ્યોમાંથી 400થી વધુ શાળાઓએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો જેમાં મુંબઈ, દિલ્હી જેવા મહાનગરોની પ્રખ્યાત શાળાઓ પણ જોડાઈ હતી. અંગ્રેજી ભાષામાં પ્રેઝન્ટેશન આપનારા અન્ય શાળાના વિદ્યાર્થીઓ સાથેની સ્પર્ધામાં કદી ધરમપુરની પણ બહાર ન ગયેલી આ 3 વિદ્યાર્થીનીઓએ ખુબ આત્મવિશ્વાસ અને હિંમતભેર 40 મિનિટ સુધી હિન્દીમાં  પ્રેઝન્ટેશન આપ્યું હતું અને જ્યુરીના દરેક સવાલના સચોટ જવાબ આપી તેમને આશ્ચર્યચકિત કરી દીધા હતા.

તેમના આવા અદ્ભુત પ્રદર્શનનું કારણ છે, શ્રીમદ્ રાજચંદ્ર  ગુરુકુલના નિરંતર પ્રયત્નો. તેઓ આવા અનેકવિધ કાર્યક્રમોમાં ભાગ લેવડાવી વિદ્યાર્થીઓમાં રહેલી પ્રતિભાને વિકસાવવા પ્રોત્સાહિત કરે છે. તેમને યોગ્ય માર્ગદર્શન અને સહયોગ આપી આત્મવિશ્વાસ જગાડી ભવિષ્યના લિડર તૈયાર કરે છે.

Back to top button
error: Content is protected !!