
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
દક્ષિણ ગુજરાતનાં ડાંગ જિલ્લામાં વસતા આદિવાસીઓ માટે આંબાડી વનસ્પતિ એ માત્ર એક છોડ નથી, પરંતુ તેમની જીવનશૈલીનો અભિન્ન ભાગ છે.આ વનસ્પતિ, જેને ગુજરાતના અન્ય ભાગોમાં ખાટી ભીંડી કે ખાટી ભાજી તરીકે ઓળખવામાં આવે છે,તે ડાંગમાં દોરડા બનાવવા માટે વપરાય છે,અને આદિવાસીઓની આજીવિકાનું મહત્વનું સાધન છે.આંબાડીના છોડને કાપીને ભીંજવી રાખવાથી તેમાંથી મજબૂત રેસા મળે છે.આ રેસામાંથી બનાવેલા દોરડાનો ઉપયોગ આદિવાસી લોકો વિવિધ કામો માટે કરે છે.જેમ કે, પશુઓને બાંધવા, પતંગ ચગાવવા, મરણ ક્રિયામાં અને નાના બાળકોના પારણા ઝુલાવવા માટે. આંબાડીના થડના કઠણ ભાગનો ઉપયોગ મશાલ તરીકે પણ થાય છે, જેને ડાંગની માચીસ તરીકે ઓળખવામાં આવે છે.આદિવાસીઓ આંબાડીના પાનને શાકભાજીમાં ઉમેરીને ખાય છે.અને તેના બીજમાંથી તેલ પણ કાઢે છે.આ વનસ્પતિના ફળના છાલિયાને સૂકવીને સંગ્રહ કરી શકાય છે.ગુજરાતના અન્ય ભાગોમાં આંબાડીને પાન સીસો, શેરિયા જેવા નામોથી ઓળખવામાં આવે છે.આંધ્રપ્રદેશમાં તેને ગોંગુરા કહેવાય છે અને ત્યાં ચટણી બનાવવામાં વપરાય છે.આંબાડી વનસ્પતિની વિવિધ જાતો જોવા મળે છે.સફેદ દાંડી અને લાલ દાંડીવાળી આંબાડી સહિત આ વનસ્પતિ દક્ષિણ ગુજરાતના દરેક જિલ્લાના શાકભાજી બજારમાં સરળતાથી મળી રહે છે.ડાંગના આદિવાસી સમાજનાં ગંગારામ ભાઈ ઘુલુમ જેવા લોકો આજે પણ આંબાડીમાંથી દોરડા બનાવવાની કળાને જીવંત રાખી રહ્યા છે.તેમજ આપણા દક્ષિણ ગુજરાત ગ્રુપનાં પ્રકૃતિ પ્રેમી અને સંશોધકમાં અમિતભાઈ અને યોગેશભાઈ હાલમાં આદિવાસી સંસ્કૃતિ અને પર્યાવરણ વિશે જાગૃતિ ફેલાવવાની ઉત્તમ કામગીરી કરી રહ્યા છે.આ બન્ને પ્રકૃતિ પ્રેમીઓએ ડાંગ જિલ્લામાં નિત નવી વનસ્પતિ અને જીવજંતુઓને શોધી કાઢીને તેના સંવર્ધન અને રક્ષણ માટે અપીલ કરી રહ્યા છે..






