
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
દક્ષિણ ડાંગ આહવાનાં નાયબ વન સંરક્ષક નિરજ કુમારને મળેલ બાતમી અને માર્ગદર્શન હેઠળ આજરોજ વન વિભાગ દ્વારા સફળ કામગીરી કરવામાં આવી હતી.આ તપાસ અભિયાનમાં મદદનીશ વન સંરક્ષક આરતી આર. ડામોર, વઘઈ અને સાકરપાતળના રેંજ ફોરેસ્ટ ઓફિસર તેમજ વઘઈ, ચીચીનાંગાવઠા અને સાકરપાતળ રેંજનો સ્ટાફ તથા વઘઈ પોલીસ સ્ટાફ સંયુક્ત રીતે જોડાયા હતા.તપાસ દરમિયાન ઉગા ગામના રહેવાસી વિનોદભાઈ તુળશીરામભાઈ ભગરેના ઘરે દરોડો પાડવામાં આવ્યો હતો.તપાસ દરમિયાન આરોપીના ઘરેથી કોઈ પણ પાસ કે પરમીટ વગરના સાગી સાઈઝના ૨૯૫ નંગ (૧.૫૬૯ ઘન મીટર) મળી આવ્યા હતા. આ ઉપરાંત, ગેરકાયદેસર ફર્નિચર બનાવવા માટે વપરાતા રંધા મશીન અને કટર મશીન જેવા સાધનો પણ જપ્ત કરવામાં આવ્યા હતા. વન વિભાગ દ્વારા કુલ અંદાજીત ૧,૬૫,૦૦૦/- રૂપિયાનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. આ મામલે આરોપી વિનોદભાઈ ભગરેની અટકાયત કરવામાં આવી છે અને દક્ષિણ વન વિભાગ દ્વારા આગળની કાયદેસરની તપાસ ચાલુ છે..





