
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ઉત્તર ડાંગ વન વિભાગનાં વનકર્મીઓની ટીમ દ્વારા તા. 05/11/2025નાં રોજ ફિલ્મી ઢબે પીછો કરીને ગેરકાયદેસર લાકડાની હેરાફેરીનો એક મોટો પ્રયાસ નિષ્ફળ બનાવવામાં આવ્યો છે.આ કાર્યવાહી દરમિયાન એક મહિન્દ્રા મેક્સ ગાડીમાંથી આશરે ₹ 15,000/-ની કિંમતના ખેરના 19 નંગ લાકડા મળી આવ્યા હતા.ઉત્તર ડાંગ વન વિભાગ, આહવાનાં ડી.સી.એફ એમ.એલ.મીનાને મળેલી ખાનગી બાતમીના આધારે આ સમગ્ર ઓપરેશનની તૈયારી કરવામાં આવી હતી.જેમાં મદદનીશ વન સંરક્ષક આર.એમ. પટેલનાં સચોટ માર્ગદર્શન હેઠળ રેન્જ ફોરેસ્ટ ઓફિસર ભેંસકાતરી, સમીર એસ. કોંકણી, અને બરડીપાડાનાં દીપક હળપતીની ટીમોએ દિવસ દરમિયાન જુદા જુદા સ્થળો પર વોચ ગોઠવી હતી.બપોરના સમયે વન વિભાગની ટીમ દ્વારા શંકાસ્પદ મહિન્દ્રા મેક્સ ગાડી (નંબર: GJ 19 M 0116) પર નજર પડતા જ તેનો ફિલ્મી ઢબે પીછો કરવામાં આવ્યો હતો.આ પીછો ધુલદાથી શરૂ થયો હતો.આખરે, બપોરે 1.30 કલાકે ધુલદાથી દિવડીયાવન નદીના પુલ પાસે ટીમે સફળતાપૂર્વક આ ગાડીને અટકાવી દીધી હતી.આ સફળ ઓપરેશનમાં સોશિયલ ફોરેસ્ટ્રી (સો.ફો.) ભેંસકાતરીનાં આર.એમ. ભોયે,બીટગાર્ડ જે.બી. પવાર,બીટગાર્ડ આર.એસ.ભોયે, તેમજ રાઉન્ડ ફોરેસ્ટ ઓફિસર (રા.ફો.) બરડીપાડા, રા.ફો. ભેંસકાતરી જે.એ. પવાર, બીટગાર્ડ જે.ડી. પટેલ,એમ.એલ. ચૌધરી અને અશ્વિનભાઈ બોરસા સહિતના સ્ટાફે સક્રિય ભૂમિકા ભજવી હતી.સ્થળ પર ગાડીની તલાશી લેતા તેમાંથી ગેરકાયદેસર અને વગર પાસ-પરવાનગીએ વહન કરવામાં આવી રહેલા ખેર લાકડાના 19 નંગ મળી આવ્યા હતા, જેનું ઘન મીટર 0.240 હતુ અને તેની બજાર કિંમત આશરે ₹ 15,000/- આંકવામાં આવી છે.હાલમાં ઉત્તર વન વિભાગે સ્થળ પરથી ગાડીના ડ્રાઇવર અને માલિક યોહાનભાઈ માહદુભાઈ પવાર (રહે. ધુલદા, તા. સુબીર, જિ. ડાંગ) અને તેના સાથીદાર કાંતિભાઈ શંકરભાઈ પવાર (રહે. ભાલખેત, તા. વઘઇ, જિ. ડાંગ)ને ઝડપી પાડ્યા હતા.તેમજ મહિન્દ્રા મેક્સ (GJ 19 M 0116) – અંદાજિત કિંમત ₹ 1,50,000/- તથા જપ્ત કરેલ લાકડાં (ખેર 19 નંગ): અંદાજિત કિંમત ₹ 15,000/- એમ મળી કુલ ₹ 1,65,000/- નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે.વન વિભાગે જપ્ત કરેલા મુદ્દામાલ અને આરોપીઓ વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. હાલમાં વન વિભાગની ટીમ દ્વારા લાકડાં ક્યાંથી કપાયાં? અને તે ક્યાં લઈ જવાના હતા? તે અંગેની ઝીણવટભરી તપાસ શરૂ કરવામાં આવી છે.આ પકડથી લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરતા તત્વોમાં ફફડાટ વ્યાપી ગયો છે..





