વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગનાં વઘઇ તાલુકાનાં ઉગા-આંબાપાડાનાં લો લેવલ કોઝવે પરથી આઈસર ટેમ્પો અંબિકા નદીમાં તણાયો,ડ્રાઈવર અને ક્લીનરને રેસ્ક્યુ કરી બચાવી લેવાયા..
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ધોધમાર પગલે 15 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 30 જેટલા ગામો જિલ્લાનાં વહીવટી મથકની સંપર્ક વિહોણા બન્યા..
પેટા:-ડાંગ જિલ્લાની લોકમાતાઓએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ.ડાંગ જિલ્લાનાં સાપુતારાથી ઉદગમ પામતી અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પોહચ્યુ..
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં છેલ્લા ત્રણ દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં શુક્રવારે મધ્યમ સ્વરૂપેનો વરસાદ પડ્યો હતો. જોકે રાત્રીનાં અરસાથી મેઘાનું જોર વધી જતા સર્વત્ર પાણી પાણીનાં દ્રશ્યો જોવા મળ્યા હતા.શનિવારે દિવસ દરમ્યાન ગિરિમથક સાપુતારા,શામગહાન,માંળૂગા,સાકરપાતળ,વઘઇ, ઝાવડા,ભેંસકાતરી,કાલીબેલ,પીંપરી, આહવા,બરડીપાડા,મહાલ,સુબિર, સિંગાણા, લવચાલી,ગારખડી, પીપલાઈદેવી,ચીંચલી, ગલકુંડ બોરખલ સહિત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં વરસાદી રમઝટ જામતા સર્વત્ર પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લાના સાપુતારા પંથકમાં ધોધમાર વરસાદ પડતા અંબિકા નદીમાં ઘોડાપુર આવ્યા હતા.સાપુતારા ખાતેથી ઉદગમ પામતી અંબિકા નદીએ સિઝનમાં પ્રથમ વખત રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ હતુ. અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પોહચતા નદીને સાંકળતા અને નીચાણવાળા વિસ્તારમાં આવેલ અમુક ગામડાઓનાં માર્ગો તથા ઘરોમાં પાણી ભરાયુ હતુ. તથા નદીને જોડતા ડાંગરનાં ખેતરોને ઢસડી લઈ જતા વ્યાપક નુકશાન થયુ હતુ.સાથે ડાંગ જિલ્લાની પૂર્ણા, ખાપરી અને ગીરા નદી પણ ગાંડીતુર બની બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં અંબિકા નદી ભયજનક સપાટીએ વહેતા વઘઇનાં ગીરાધોધે પણ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યુ.ડાંગ જિલ્લાના ગામડાઓમાં ધોધમાર વરસાદનાં પગલે ડાંગ જિલ્લા પંચાયત હસ્તકનાં 15 જેટલા નીચાણવાળા કોઝવેકમ પુલો ઊંડા પાણીમાં ગરક થઈ જતા 30 જેટલા ગામડાઓ જિલ્લાનાં વહીવટી મથકથી સંપર્કવિહોણા બન્યા હતા. જેમાં સુબિર તાલુકાના (1) હિંદળાથી ધુડા રોડ, અને (2) કાકડવિહીર થી ખેંરિન્દ્રા-ચમારપાડા રોડ, સહિત આહવા તાલુકાના (1) ચિકટીયા-ગાઢવી રોડ, અને (2) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, (3) ભવાનદગડ-ધુલચોંડ-આમસરવલણ રોડ, તથા વઘઇ તાલુકાના (1) ખાતળ ફાટક થી ઘોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૧, (3) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ-૨, (4) વાઝટઆંબા-કોયલીપાડા રોડ, (5) ઘોડવહળ વી.એ.રોડ, (6) આહેરડી-બોરદહાડ રોડ, (7) ચીખલદા વી.એ.રોડ, (8) સુંસરદા વી.એ.રોડ, (9) માનમોડી-બોડરમાલ-નિબારપાડા રોડ, અને (10) આંબાપાડા વી.એ.રોડ, ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઇન ઓવર ટોપિંગ થવાને કારણે અવરોધાયા છે.આ માર્ગો અવરોધાતા 30 જેટલા ગામોનું જનજીવન,પશુપાલન પ્રભાવિત થયુ હતુ.જેથી જિલ્લા વહીવટી તંત્રે આ માર્ગે અવરજવર કરતા વાહન ચાલકો, રાહદારીઓ, પશુપાલકો અને ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે આ માર્ગોનો ઉપયોગ નહિ કરવા, અને સૂચવેલ વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવાની અપીલ કરી છે.વધુમાં ઇન્ચાર્જ જિલ્લા કલેકટર બી.બી.ચૌધરી સમગ્ર પરિસ્થિતિ ઉપર નજર રાખી, તંત્રના સંબંધિત વિભાગોને માર્ગદર્શિત કરી રહ્યા છે. દરમિયાન લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેતા, તેમનું કાર્ય મથક નહિ છોડવાની પણ તાકીદ કરવામાં આવી છે.બોક્ષ:-(1)ડાંગ જિલ્લામાં ભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પૂરની સ્થિતિ સર્જાતા આઇસર ટેમ્પો પાણીમાં તણાયો.ડાંગ જિલ્લાનાં સાપુતારા ખાતે અતિભારે વરસાદને કારણે અંબિકા નદીમાં પૂરની વિકટ સ્થિતિ સર્જાઈ છે.આજરોજ અંબિકા નદીમાં પાણીનું સ્તર વધી જતા અનેક લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થઈ ગયા છે.સાથે અંબિકા નદીનું જળસ્તર ભયજનક સપાટીએ પોહચ્યુ છે.આ ભયાનક પરિસ્થિતિમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાનાં ઉગા ચિચપાડાથી આંબાપાડા જતા માર્ગ ઉપર અંબિકા નદીને જોડતા લો લેવલનાં કોઝવેકમ પુલ પરથી આઈસર ટેમ્પો અંબિકા નદીનાં ધસમસતા પ્રવાહમાં તણાઈ ગયો હતો.આ આઈસર ટેમ્પોને ધસમસતો પ્રવાહ કિલાદ કેમ્પ સાઈટ નજીક ઘસડી ગયો હતો.જોકે, આ ઘટનામાં ટેમ્પામાં સવાર ડ્રાઇવર પ્રભુદાસ વળવી અને ક્લિનર નવીન તુર્કીયાનો આબાદ બચાવ થયો છે.કિલાદ ગામના લોકોએ સમયસર પહોંચીને નદીમાં તણાયેલ ટેમ્પોમાંથી ચાલક અને ક્લીનરનું રેસ્ક્યુ કરી સુરક્ષિત રીતે બહાર કાઢ્યા હતા.બોક્ષ:-(2)ગિરિમથક સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો.જ્યારે સાપુતારા નવાગામનાં તળાવમાં પાણી ભયજનક સપાટીએ પોહચતા બારી ખોલી દઈ પાણી છોડી દેવામાં આવ્યુ. ગિરિમથક સાપુતારા ખાતે આજરોજ ધોધમાર વરસાદ પડ્યો હતો.જેને લઈને સર્વત્ર પાણીની રેલમછેલ જોવા મળી હતી.ગિરિમથક સાપુતારા ખાતે દિવસ દરમ્યાન ધોધમાર વરસાદની બેટિંગ યથાવત રહેતા સાપુતારાનું સર્પગંગા તળાવ ઓવરફ્લો થઈ ઉભરાયુ હતુ. જ્યારે સાપુતારા નવાગામનાં તળાવમાં પાણી ભયજનક સપાટીએ પોહચતા તળાવની બારી ખોલી દેવામાં આવી હતી.સાપુતારા ખાતે ભારે વરસાદનાં પગલે બોટિંગ,સહ્યાદરી એડવેન્ચર પાર્ક,મધ કેન્દ્ર, તથા મ્યુઝિયમ નજીકનાં માર્ગો પર પાણી ભરાયુ હતુ.સાપુતારા ખાતે ભારે વરસાદનાં પગલે નાના મોટા ધંધાર્થીઓનાં ધંધા ઠપ્પ થયા હતા.આહવાનાં નાંદનપેડા ગામનાં પશુપાલકનું નામે દિલીપભાઈ સીતારામભાઈ ગવળીનો એક પાડો પાણીમાં તણાઈ જવાથી મૃત્યુ પામ્યો હતો. જે અંગે પશુપાલન વિભાગને ઘટનાની જાણ થતાં તેઓએ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.જ્યારે વઘઇ તાલુકાનાં કૂકડનખી ગામે રહેતા વિધવા મહિલા ગહનુબેન મહાદુભાઈ પવારનું ઘર ભારે વરસાદમાં ધરાશયી થઈ પડી જતા જંગી નુકસાન થયુ હતુ.જોકે આ વિધવા મહિલાનો બચાવ થયો છે.અહી ભારે વરસાદે મહિલાનાં છતનો આશરો છીનવી લેતા ગ્રામજનો દોડી ગયા હતા.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન સુબિર પંથકમાં 66 મિમી અર્થાત 2.64 ઈંચ, આહવા પંથકમાં 71 મિમી અર્થાત 2.84 ઈંચ, વઘઇ પંથકમાં 92 મિમી અર્થાત 3.68 ઈંચ જ્યારે સૌથી વધુ સાપુતારા પંથકમાં 130 મિમી અર્થાત 5.2 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો.