AHAVADANG

ડાંગ જિલ્લામાં સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ ભરતીમાં ગેરરીતિ આચરી મળતિયાઓને નોકરીનો આક્ષેપ…

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાની સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ ભરતીમાં થતા ભ્રષ્ટાચાર અને સગાવાદની તપાસ કરવાની માંગ ઉઠી છે.જેને લઇને કલેકટરને સંબોધતું આવેદનપત્ર પાઠવવામાં આવેલ છે.જે આવેદનપત્રમાં જણાવ્યા અનુસાર, ગુજરાતમાં નાણાં વિભાગના તા. 01/04/2010 ના સુધારેલા ઠરાવો મુજબ આઉટસોર્સિંગ અને કરાર આધારિત ભરતીની શરૂઆત મુખ્યત્વે વહીવટી કાર્યક્ષમતા વધારવા અને સરકારી ખર્ચમાં ઘટાડો કરવાના હેતુથી કરવામાં આવી હતી. જેનો મુખ્ય હેતુ, વહીવટી ખર્ચમાં ઘટાડો અને ‘મેક્સિમમ ગવર્નન્સ, મિનિમમ ગવર્મેન્ટ’ માટેનો હતો. પરંતુ હાલમાં ડાંગ જિલ્લાની વિવિધ સરકારી કચેરીઓમાં આઉટસોર્સિંગ એજન્સીઓ દ્વારા જે ભરતી પ્રક્રિયા કરવામાં આવી રહી છે, તેમાં વ્યાપક સ્તરે ગેરરીતિઓ જોવા મળી રહી છે.ડાંગ જિલ્લો ભૌગોલિક રીતે પછાત હોવા છતા અહીંના સ્થાનિક શિક્ષિત યુવાનો રોજગારીની આશા રાખતા હોય છે, પરંતુ દુર્ભાગ્યવશ આ ભરતીઓમાં ગંભીર અન્યાય થઈ રહ્યો છે. આઉટસોર્સિંગ એજન્સીઓ અને કચેરીના અમુક જવાબદાર અધિકારી/કર્મચારીઓ દ્વારા મેરિટને બાજુ પર મુકીને માત્ર પોતાના મળતિયાઓ, સગાસબંધીઓ અને ઓળખીતાઓની જ ભરતી કરવામાં આવે છે. એક જ કુટુંબીજનો જેમાં ભાઈ-બહેન પતી-પત્ની વગેરે તમામને એકજ કચેરીમાં સગાવાદમા નોકરીએ રાખવામાં આવેલ છે. લાયક અને જરૂરિયાતમંદ સ્થાનિક આદિવાસી થવાનોને બાકાત રાખીને માનીતાઓને નોકરી પર રાખવામાં આવે છે. ભરતી માટેની કોઈ ચોક્કસ પ્રક્રિયા કે જાહેરાત લોકો સુધી યોગ્ય રીતે પહોંચાડવામાં આવતી નથી અને છુપી રીતે ભરતી કરી દેવામાં આવે છે. જે ગુજરાત સિવિલ સર્વિસીસ (વર્તણૂક) નિયમો, 1971 નો ભંગ છે.જે માટે  માંગણી કરવામાં આવી છે કે, અત્યાર સુધી થયેલી તમામ આઉટસોર્સિંગ ભરતીઓની તટસ્થ તપાસ સમિતિ દ્વારા તપાસ કરવામાં આવે. જે કર્મચારીઓના સગાઓની ભરતી થઈ છે તેમની અને તે એજન્સી સામે કડક પગલાં લેવામાં આવે. ભવિષ્યમાં થતી ભરતીઓ સંપૂર્ણપણે પારદર્શક અને મેરિટના આધારે થાય તેવી વ્યવસ્થા કરવામાં આવે. તેમજ ડાંગ જિલ્લાની તમામ સરકારી ઓફીસોમાં પરિવારવાદ સંપુર્ણપણે નાબુદ કરવામાં આવે. દરેક વ્યક્તિને નોકરી મેળવવાનો હક છે. અને જો આ બાબતે યોગ્ય તપાસ કરી ન્યાય આપવામાં નહીં આવે, તો ડાંગના શિક્ષિત બેરોજગાર યુવાનો દ્વારા ગાંધી ચિંધ્યા માર્ગે ઉગ્ર આંદોલન કરવામાં આવશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..

Back to top button
error: Content is protected !!