AHAVADANG

ડાંગ જિલ્લામાં સુબીર ખાતે દબાણ હટાવવાની કાર્યવાહીમાં ‘પસંદગીયુક્ત’ પગલાનો આક્ષેપ,વિવાદ વકર્યો..

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા હાલ ગેરકાયદેસર દબાણ હટાવવાનું અભિયાન પૂરજોશમાં ચાલી રહ્યું છે, પરંતુ સુબીર ખાતે કરવામાં આવેલી એક કાર્યવાહીએ મોટો વિવાદ ઊભો કર્યો છે. સુબીરમાં ઝેરોક્સની દુકાન ચલાવતા એક વ્યક્તિના દુકાન પર મામલતદાર દ્વારા સેડ તોડીને દબાણ હટાવવાની કાર્યવાહી કરવામાં આવતા, દુકાનધારકે તંત્ર પર પસંદગીયુક્ત પગલાં લેવાનો ગંભીર આક્ષેપ કર્યો છે.

દુકાનધારકનો દાવો છે કે, સુબીર વિસ્તારમાં અન્ય ઘણા સ્થળોએ ગેરકાયદેસર દબાણો યથાવત્ છે, તેમ છતાં તંત્રએ જાણી જોઈને માત્ર તેમની જ દુકાનને નિશાન બનાવીને કાર્યવાહી કરી છે. આ વ્યક્તિએ પોતે સરકારી કિન્નખોરીનો ભોગ બન્યા હોવાનું જણાવ્યું છે.દુકાનધારકે સ્પષ્ટ શબ્દોમાં કહ્યું છે કે, જો તંત્ર ખરેખર દબાણ હટાવ અભિયાન ચલાવી રહ્યું હોય, તો સમગ્ર સુબીર વિસ્તારના તમામ ગેરકાયદેસર દબાણો દૂર થવા જોઈએ. માત્ર એક જ દુકાન પર આવી આકરા પગલાં લેવા એ તંત્રની ‘પસંદગીયુક્ત વૃત્તિ’ દર્શાવે છે.આ કાર્યવાહીને પગલે સ્થાનિક લોકોમાં પણ ચર્ચાઓ ચાલી રહી છે. સ્થાનિકોનું માનવું છે કે, દબાણ હટાવવાની આ કામગીરી સમાન અને પારદર્શી રીતે કરવામાં આવી નથી, પરંતુ કોઈ ચોક્કસ વ્યક્તિને લક્ષ્ય બનાવીને કરવામાં આવી હોય તેવું સ્પષ્ટ જણાય છે.દુકાનધારકે આ સમગ્ર ઘટનાની પૂર્ણ અને નિષ્પક્ષ તપાસ હાથ ધરી તેમને ન્યાય મળે તેવી માગણી કરી છે.હાલમાં, દુકાનધારક દ્વારા કરવામાં આવેલા ગંભીર આક્ષેપો અંગે જિલ્લા વહીવટી તંત્ર તરફથી કોઈ સત્તાવાર સ્પષ્ટતા કે નિવેદન પ્રાપ્ત થયું નથી.જોકે, આ આક્ષેપોને પગલે સમગ્ર મામલો હવે ચર્ચાના કેન્દ્રમાં આવી ગયો છે અને નિષ્પક્ષ તપાસની માંગણી જોર પકડી રહી છે. આ પસંદગીયુક્ત કાર્યવાહીનો આક્ષેપ તંત્રની પારદર્શિતા પર સવાલ ઉઠાવી રહ્યો છે અને હવે જોવાનું રહે છે કે વહીવટી તંત્ર આ અંગે શું પગલાં ભરે છે..

Back to top button
error: Content is protected !!