AHAVADANG

સાકરપાતળ બ્રિજ પરથી મિની બસ,એસટી બસનાં અવરજવર પર પ્રતિબંધ:-વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા અપીલ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાનાં સાપુતારા-વઘઇ રાજય ધોરીમાર્ગમાં વાહનચાલકો અને મુસાફરોનાં સલામતી અને સુરક્ષાને ધ્યાનમાં રાખીને એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે.ડાંગ જિલ્લા રાજ્ય ધોરીમાર્ગ વિભાગ દ્વારા વઘઇ-સાપુતારા માર્ગનાં સાકરપાતળ બ્રિજ પરથી 3 મીટર કરતા ઊંચી મીની બસો,મોટી એસટી બસો અને ખાનગી લક્ઝરી બસો સહીત ભારે વાહનોનાં અવરજવર પર સંપૂર્ણપણે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.આ નિર્ણય બ્રિજનું સમારકામ પૂરજોશમાં ચાલુ હોવાને કારણે લેવાયો હોવાનું જાણવા મળી રહ્યુ છે.બ્રિજનાં સમારકામની કામગીરી દરમિયાન કોઈ અડચણ ન આવે અને વાહનવ્યવહાર સુરક્ષિત રહે તે માટે વિભાગ દ્વારા બ્રિજની બંને બાજુએ 3 મીટરની ઊંચાઈ ધરાવતો લોખંડનો ગેન્ટ્રી ગેટ લગાવવામાં આવ્યો છે.આ ગેન્ટ્રી ગેટમાંથી 3 મીટરથી વધુ ઊંચાઈના વાહનો પસાર થઈ શકશે નહીં.આમાં ગુજરાત એસટી નિગમની મિની બસો, મોટી બસો અને ખાનગી લક્ઝરી બસો સહીત પ્રાઇવેટ ભારે વાહનોનો સમાવેશ થાય છે.જોકે, કાર અને ટ્રાવેલર્સ જેવા નાના પ્રવાસી વાહનો માટે આ માર્ગ ખુલ્લો રહેશે,તથા એમ્બ્યુલન્સ પણ સરળતાથી પસાર થઈ શકશે.આ પ્રતિબંધના કારણે, હવે ગુજરાત એસટી નિગમની સાપુતારા તરફ જતી તમામ બસો તેમજ ખાનગી લક્ઝરી બસોએ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડશે.આ વાહનો હવે વઘઈથી વાયા આહવા,શામગહાન થઈને સાપુતારા જશે.આ નિર્ણયને કારણે મુસાફરોને થોડા સમય માટે લાંબો રસ્તો કાપવો પડશે, પરંતુ તેમની સુરક્ષા માટે આ પગલુ અત્યંત આવશ્યક છે.આ પગલુ વાહનચાલકો અને મુસાફરોની સુરક્ષાને પ્રાથમિકતા આપે છે,જેથી સમારકામ દરમિયાન કોઈ અકસ્માત ન થાય તે માટે વઘઈ-સાપુતારા રાજ્ય ધોરીમાર્ગનો ઉપયોગ કરતા વાહનચાલકોને ખાસ ચેતવણી આપવામાં આવે છે કે તેઓ 3 મીટરથી વધુ ઊંચાઈનું વાહન લઈને સાકરપાતળ બ્રિજ પાસે ન જાય, કારણ કે આમ કરવાથી વાહન ગેન્ટ્રીમાં ફસાઈ શકે છે. ડાંગ જિલ્લા રાજ્ય ધોરીમાર્ગ અને મકાન વિભાગે આ નિર્ણય વાહનચાલકોની સુરક્ષા અને સલામતી જળવાઈ રહે તે માટે લીધો છે..

Back to top button
error: Content is protected !!