BHARUCH

આમોદમાં 71 વર્ષીય વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારનાર આરોપીને પોલીસે ડ્રોન ઉડાવીને પકડ્યો


સમીર પટેલ,

આમોદ, LCB અને SOG ની ટીમો સાથે ડ્રોનની મદદ લઇ દુષ્કર્મીને નજીકના ગામમાંથી ઝડપી લેવાયો
જામીન પર છૂટ્યા બાદ શૈલેષ રાઠોડે ફરીથી વૃદ્ધા પર ગુજાર્યું દુષ્કર્મ

આમોદથી 71 વર્ષની વૃદ્ધા પર 35 વર્ષના નરાધમે ફરીથી દુષ્કર્મ ગુજાર્યું હોવાની ઘટના સામે આવી હતી. જોકે પોલીસે ગણતરીના કલાકમાં જ આરોપીને ડ્રોનની મદદથી ઝડપી લોકઅપ ભેગો કરી દીધો છે.

આમોદના એક ગામમાં ખેતરમાં ઝૂંપડામાં રહેતી 71 વર્ષની વૃદ્ધાને 35 વર્ષના શૈલેષ રાઠોડ નામના દુષ્કર્મીએ ફરી પોતાની વાસનાનો શિકાર બનાવી છે. આમોદ પોલીસ મથકે વૃદ્ધાએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવતા ભરૂચ જિલ્લા પોલીસ વડા, LCB, SOG અને આમોદ પોલીસ ઘટના સ્થળે દોડી આવી હતી. અલગ અલગ ટિમો બનાવી દુષ્કર્મીને ઝડપી પાડવા તપાસ હાથ ધરાઈ હતી.

પોલીસે આરોપીને ઝડપી પાડવા ડ્રોનની મદદ પણ લીધી હતી. નજીકના ગામમાંથી ગણતરીના કલાકોમાં જ આરોપી શૈલેષ જગદીશ રાઠોડને ઝડપી લેવાયો હતો.

વર્ષ 2023 માં પણ આ નરાધમે એકલવાયું જીવન જીવતી આ વૃદ્ધાને ડરાવી ધમકાવી, મારઝૂડ કરી પોતાની હવસનો શિકાર બનાવી હતી. જે અંગે આમોદ પોલીસ મથકે જ તે સમયે ફરિયાદ દાખલ કરતા પોલીસે જૂન 2023 માં આરોપીની ધરપકડ કરી હતી.

દરમિયાન આરોપી શૈલેષ રાઠોડ જેલમાંથી જામીન પર છૂટ્યા બાદ ફરીથી વૃદ્ધા પર દુષ્કર્મ ગુજારતા ચકચાર મચી ગઇ હતી.

પોલીસે આરોપી સામે વહેલામાં વહેલી ચાર્જશીટ દાખલ કરી તેને કડકમાં કડક સજા થાય તે માટેની તજવીજ શરૂ કરી દીધી હોવાનું જંબુસર DYSP પી.એલ.ચૌધરીએ જણાવ્યું છે.

Back to top button
error: Content is protected !!