વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ચોમાસાની ઋતુનો વિધિવત રીતે પ્રારંભ થઈ ચૂક્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં બુધવારે દિવસ અને રાત્રી દરમ્યાન તેમજ ગુરુવારે દિવસ દરમ્યાન અવિરત પણે સાર્વત્રિક વરસાદ પડતા સર્વત્ર પંથકોમાં પાણી પાણીનાં દ્રશ્યો સર્જાયા હતા.ડાંગ જિલ્લામાં છેલ્લા 24 કલાકથી અનરાધાર વરસાદ પડી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ, આહવા,ચિંચલી,ગારખડી, પીપલાઈદેવી,લવચાલી, સુબિર, સિંગાણા, પીપલદહાડ,બરડીપાડા,કાલીબેલ,પીંપરી,ભેસકાતરી,સાકરપાતળ, ઝાવડા,વઘઇ સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં ગુરુવારે દિવસ દરમ્યાન દેમાર વરસાદ પડતા સર્વત્ર પાણી પાણીની રેલમછેલ ફરી વળી હતી.ડાંગ જિલ્લામાં દેમાર વરસાદનાં પગલે જાહેરમાર્ગો પર પાણી ભરાયા હતા.સાથે ગામડાઓના અમુક માર્ગો ક્ષતિગ્રસ્ત થયાની વિગતો મળી રહી છે.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદનાં પગલે અંબિકા,ખાપરી,પૂર્ણા, ગીરા અને ધોધડ નદી રોદ્ર સ્વરૂપ ધારણ કરી ગાંડીતુર હાલતમાં વહેતી જોવા મળી હતી.સાથે જંગલ વિસ્તારનાં કોતરડા,નાળા, વહેળા, ઝરણા તેમજ ખેતરો પણ પાણીથી છલોછલ ભરાઈને ઉભરાઈ ઉઠ્યા હતા.ડાંગ જિલ્લામાં અનરાધાર વરસાદને પગલે જિલ્લાનાં 10 જેટલા માર્ગો ઓવર ટોપિંગને કારણે બંધ થયા હતા.જેના પગલે દસથી વધુ ગામો પ્રભાવિત થયા હતા.તેમજ ઠેર ઠેર વૃક્ષો ધારાશાયી થવાની સાથે ઘાટ માર્ગોમાં ભૂસ્ખલન થયુ હતુ.આ અનરાધાર વરસાદને પગલે જિલ્લાનાં રાજ્ય ધોરી માર્ગો સહિત નેશનલ હાઈ વે નંબર 953 અને જિલ્લા પંચાયત હસ્તકનાં કેટલાક ગ્રામ્ય માર્ગો ઉપર ઠેક ઠેકાણે વૃક્ષો ધારાશાયી થવા સાથે ઘાટ માર્ગો ઉપર ભૂસ્ખલન થતા માર્ગો અવરોધાયા હતા. સાપુતારા ઘાટ માર્ગમાં તેમજ સાપુતારાનાં સનસેટ જતા માર્ગે પણ ભેખડો અને માટીનો મલબો ધસી પડ્યો હતો.અહી થોડાક સમય માટે પ્રવાસી વાહન વ્યવહાર અવરાધાયો હતો.ડાંગના વઘઇ –સાપુતારા રોડ ઉપર આજે સવારે વૃક્ષ ધરાશાઈ થવાની ઘટના બની હતી.જે ધ્યાને લેતા માર્ગ અને મકાન વિભાગ (રાજ્ય) દ્વારા ત્વરિત વૃક્ષ હટાવી આ રોડ વાહન વ્યવહાર માટે પુનઃ ચાલુ કરવાની પ્રક્રિયા હાથ ધરવામા આવી હતી.અહી વરસતા વરસાદમાં વહીવટી તંત્રના માર્ગ અને મકાન વિભાગ, પોલીસ અને ફોરેસ્ટ ફોર્સ, સહિત ડિઝાસ્ટર ટીમના લાશ્કરો અને સ્થાનિક ગ્રામજનોએ હટાવતા, આ માર્ગો વાહન વ્યવહાર માટે ખુલ્લા થવા પામ્યા હતા.ડાંગ જિલ્લામાં વરસેલા આ અનરાધાર વરસાદને પગલે જિલ્લાનાં દસ જેટલા માર્ગો ઉપર વરસાદી પાણી ફરી વળતા, તે હાલ પૂરતા વાહન વ્યવહાર માટે બંધ કરાયા છે. વાહનચાલકો અને રાહદારીઓને આ માર્ગોનો ઉપયોગ નહિ કરવાની અપીલ સાથે, જિલ્લા વહીવટી તંત્રે સૂચવેલ વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવાનો અનુરોધ કર્યો છે.આ માર્ગો બંધ થતા દસથી વધુ ગામો પ્રભાવિત થયા છે.આજે જે માર્ગો બંધ થવા પામ્યા છે તેમા આહવા તાલુકાના (1) બોરખલ-ગાયખાસ-ચવડવેલ રોડ, (2) ભવાનદગડ-ધુલચોન્ડ-આમસરવલણ રોડ, (3) રાનપાડા-ભાપખલ-બારીપાડા રોડ, સહિત વઘઈ તાલુકાના (1) ખાતળ ફાટકથી ધોડી રોડ, (2) માછળી-ચિખલા-દિવડ્યાવન રોડ, (3) આહેરડી-બોરદહાડ રોડ, (4) ધોડવહળ વી.એ.રોડ, અને સુબિર તાલુકાનો (1) કાકડવિહિર-ખેરિંદ્રા-ચમારપાડા રોડ ઓવરટોપીકનાં કારણે અવરોધાવા પામ્યા છે.વરસાદી વાતાવરણ વચ્ચે સુબિર તાલુકાના સાવરદા ગામના પશુપાલક મંગુભાઇ ઈત્યાભાઈ શિંદેનાં 7 વર્ષની ઉંમરના એક બળદનુ આકાશી વિજળી પડવાથી મૃત્યુ નિપજ્યુ હોવાનુ પણ નોંધાવા પામ્યુ છે.સાથે ડાંગ જિલ્લાનાં નદીઓને જોડતા કેચમેન્ટ વિસ્તારનાં ગામો અનરાધાર વરસાદનાં પગલે ઠપ્પ થઈ જતા જનજીવન સહીત પશુપાલન ખોરંભે ચડયુ છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા ચોવીસ કલાકમાં વઘઇ પંથકમાં 249 મીમી અર્થાત 9.96 ઈંચ,આહવા પંથકમાં 214 મીમી અર્થાત 8.56 ઈંચ, સુબીર પંથકમાં 170 મીમી અર્થાત 6.8 ઇંચ,જ્યારે સાપુતારા પંથકમાં 93 મીમી અર્થાત 3.72 ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો