AHAVADANG

નવસારી ખાતે આદિજાતિ રાજ્યમંત્રી કુંવરજીભાઇ હળપતિએ હર્ષોલ્લાસના માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી…

નવસારી જિલ્લાના વિકાસ અર્થે રૂા.૨૫ લાખનો ચેક અર્પણ કરતા આદિજાતિ મંત્રી કુંવરજીભાઇ હળપતિ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-નવસારી

આજે ભારતના  ૭૮ મા સ્વાતંત્ર્યપર્વની  ઠેર-ઠેર ભારે હર્ષોલ્લાસ, ઉમંગ સાથે ઉજવણી કરવામાં આવી રહી છે. નવસારી જિલ્લા કક્ષાની ઉજવણી નવસારી સ્થિત સાંઈ ગરબા ગ્રાઉન્ડ  ખાતે રાજ્યકક્ષાના આદિજાતિ અને ગ્રામવિકાસ મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિના અધ્યક્ષસ્થાને ભારે ઉમંગ-ઉત્સાહ સાથે યોજાઈ હતી. મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ રાષ્ટ્ર ભક્તિનાં અનોખા માહોલ વચ્ચે રાષ્ટ્રધ્વજ લહેરાવી સલામી આપી હતી. આ નિમિત્તે જિલ્લાની વિવિધ શાળાના વિદ્યાર્થીઓ દ્વારા દેશભક્તિની સાંસ્કૃતિક કૃતિઓની જોશભરી પ્રસ્તુતિએ સમગ્ર વાતાવરણને દેશભક્તિની લાગણી અને ઉર્જાથી ભરી દીધું હતું.

રાજ્ય મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ પોતાનાં પ્રવચનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, સહિતનાં સ્વાતંત્ર્ય વીરોનાં બલિદાનને યાદ કરી સ્વતંત્રતા દિવસની શુભકામના પાઠવતા જણાવ્યું હતું કે, આઝાદી મેળવવાની લડાઈમાં નવસારીનો ફાળો અવિસ્મરણીય રહ્યો છે. નવસારી જિલ્લાના અનેક વીરોએ સ્વતંત્રતા સંગ્રામમાં આપેલા અમૂલ્ય યોગદાનને મંત્રીશ્રીએ યાદ કર્યા હતા . આ શુભ અવસરે તેમણે આપણા મહાન દેશને વધુ આગળ લઈ જવા કાર્યરત થવા, તમામ દેશબાંધવોને સાથે લઈને પ્રગતિ સાધવાનો શુભ સંકલ્પ લેવા સૌને અપીલ કરી હતી.

રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું કે , ખેડૂતો, યુવાનો, મહિલાઓ, વંચિતો, ગરીબો સૌ કોઈના સર્વસમાવેશક વિકાસના આયામને લક્ષ્યમાં રાખી ગુજરાતની પ્રગતિ થઈ રહી છે. વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીની દીર્ઘદ્રષ્ટિથી આજે સૌ કોઈ વિકાસની મુખ્યધારામાં આવી રહ્યા છે અને વિકસિત ભારતના નિર્માણમાં મુખ્યમત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં દરેક ગામ , તાલુકો , શહેર અને ગુજરાત રાજ્યના નાગરીકો પોતાનું યોગદાન આપશે તેવી મંત્રીશ્રી કુંવરજીભાઇ હળપતિએ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી  હતી.
વધુમાં રાજ્ય મંત્રીશ્રીએ  તત્કાલીન મુખ્યમંત્રીશ્રી અને વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરુ કરવામાં આવેલ વન બંધુ કલ્યાણ યોજના તથા પ્રધાનમંત્રી આવાસ યોજના, હળપતિ આવાસ, આદિમજૂથ આવાસ, જેવી યોજનાઓનો થકી આદિજાતિ પરિવારોને સર્વાંગી વિકાસ  થઈ રહ્યો છે સાથે ગુજરાતે ખેતી-ઉદ્યોગ ક્ષેત્રે સાધેલા સમતોલ, સર્વસમાવેશ વિકાસની વાત કરતા તેમણે નવસારી જિલ્લાના વિવિધ વિભાગોની કામગીરી વિશે વાત કરતા મંત્રીશ્રીએ  જિલ્લામાં  વિવિધ કલ્યાણકારી યોજનાઓ, મહિલા લક્ષી યોજનાઓ, આદિજાતિ વિકાસ સહિત વિવિધ યોજનાઓનાં લાભો અને તેનાથી આવેલા સર્વાંગી વિકાસ વિશે જણાવ્યું  હતું.

૭૮ મા સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી પ્રસંગે મંત્રીશ્રી  સહિતનાં મહાનુભાવોના હસ્તે જિલ્લાના વિવિધ વિભાગના અધિકારી/કર્મચારીશ્રીઓને ઉત્તમ કામગીરી બદલ પ્રશસ્તિપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ પ્રસંગે મંત્રીશ્રીના હસ્તે નવસારીના  વિકાસ કાર્યો અર્થે રૂ. ૨૫ લાખનો ચેક જિલ્લા કલેકટર ક્ષિપ્રા આગ્રે ને અર્પણ કરવામાં આવ્યો હતો. કાર્યક્રમનાં અંતમાં  મંત્રીશ્રી  તેમજ મહાનુભાવોના હસ્તે વૃક્ષારોપણ પણ કરવામાં આવ્યું હતું.
૭૮ માં સ્વતંત્રતા દિવસની આ જિલ્લા કક્ષાની ઉજવણીમાં ગણદેવીના  ધારાસભ્ય નરેશભાઈ પટેલ, નવસારી ધારાસભ્ય રાકેશભાઇ દેસાઇ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી પુષ્પ લતા, જિલ્લા પોલીસ અધિક્ષક સુશીલ અગ્રવાલ, પ્રોબેશનર આઈ.એસ આર વૈશાલી , નિવાસી અધિક કલેકટર કેતન જોષી , નાયબ કલેકટર શિવરાજ ખુમાણ , નવસારી પ્રાંત અધિકારી ડૉ જનમ ઠાકોર , સહિતનાં વિવિધ પદાધિકારીઓ- વરિષ્ઠ અધિકારીઓ- કર્મચારીઓ અને વિદ્યાર્થીઓ-નાગરિકો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

Back to top button
error: Content is protected !!