
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાનાં સાપુતારા નવાગામ ખાતે પીવાનું પાણી દૂષિત આવતા રોગચાળો ફાટી નીકળવાની સંભાવના વધવા પામી છે.ત્યારે સાપુતારા નવાગામના પોલીસ પટેલ પુંડલીકભાઈ ગાંગુર્ડે દ્વારા નોટિફાઇડ એરીયા કચેરી સાપુતારાનાં ચીફઓફિસરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ. તેમજ પીવાના પાણીની ટાંકીઓ સાફ કરવા તથા જંતુનાશક દવાનો છંટકાવ કરવાની માંગ કરી હતી.ડાંગ જિલ્લાનાં સાપુતારા (નવાગામ)માં તથા સાપુતારામાં આવેલ દરેક શાળા તથા એક્ટિવિટી પોઇન્ટ પર આવેલ પીવાના પાણીની ટાંકીઓ ઘણા સમયથી સાફ સફાઈ કરવામાં આવેલ નથી. તેમજ જંતુનાશક દવાનો પણ છંટકાવ કરવામાં આવેલ નથી.જેના કારણે છેલ્લા ઘણા સમયથી ગામમાં તથા શાળામાં મલેરિયા કે તાવની બીમારીમાં વધારો થવા પામ્યો છે.ત્યારે આ બાબતને ધ્યાને લઈને તપાસ કરવામાં આવતા પાણી દૂષિત હોવાનું માલુમ પડી રહ્યું છે.જેથી સાપુતારા તથા નવાગામમાં આવેલ પાણીની ટાંકીઓ તાત્કાલિક ધોરણે સાફ કરવામાં આવે અને જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવે તેવી માંગ સાથે સાપુતારા નવાગામનાં પોલીસ પટેલ પુંડલીકભાઈ ગાંગુર્ડે દ્વારા નોટિફાઇડ એરીયા કચેરીનાં ચીફ ઓફિસરને સંબોધીને નાયબ મામલતદાર પી.વી.પરમારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યુ હતુ..





