AHAVADANG

વઘઈ પોલીસની ટીમ દ્વારા જાગૃતિ અભિયાન “આપની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા”

વાત્સલ્યમ સમાચાર

    મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં માર્ગ અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા અને વાહનચાલકોમાં ટ્રાફિકના નિયમો પ્રત્યે સભાનતા લાવવાના ઉમદા હેતુ સાથે સમગ્ર દેશમાં ‘રાષ્ટ્રીય માર્ગ સલામતી માસ-૨૦૨૬’ ની ઉજવણી કરવામાં આવી રહી છે. આ અભિયાનના ભાગરૂપે ડાંગ જિલ્લા પોલીસ વડા પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ વઘઈ પોલીસ સ્ટેશનનાં પી.આઈ.વી. કે.ગઢવી દ્વારા વઘઈના મુખ્ય ગોળ સર્કલ ખાતે એક વિશેષ માર્ગ સલામતી જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.વઘઈ પોલીસ સ્ટેશનના પી.આઈ.વી. કે.ગઢવી તથા પોલીસ કર્મચારીઓએ પરંપરાગત કડક વલણને બદલે ‘ગાંધીગીરી’નો માર્ગ અપનાવી વાહનચાલકોને જાગૃત કર્યા હતા. વઘઈ ગોળ સર્કલ પરથી પસાર થતા વાહનચાલકોને પોલીસે રોકીને તેમને પુષ્પગુચ્છ અર્પણ કરી સન્માનિત કર્યા હતા. આ નવતર અભિગમ દ્વારા પોલીસ કર્મચારીઓએ નાગરિકોને પ્રેમપૂર્વક ટ્રાફિકના નિયમોનું મહત્વ સમજાવ્યું હતું.કાર્યક્રમ દરમિયાન પોલીસ દ્વારા વાહનચાલકોને વિવિધ સુરક્ષા પાસાઓ અંગે ઊંડાણપૂર્વક સમજ આપવામાં આવી હતી, જેમાં મુખ્યત્વે નીચેની બાબતો પર ભાર મૂકવામાં આવ્યો હતો. ટુ-વ્હીલર ચલાવતી વખતે હેલ્મેટનો ફરજિયાત ઉપયોગ અને ફોર-વ્હીલરમાં સેફ્ટી બેલ્ટ બાંધવો અનિવાર્ય છે.રોંગ સાઈડમાં ડ્રાઇવિંગ ન કરવું અને દ્વિચક્રી વાહનમાં ત્રણ સવારી ન બેસાડવા સૂચના અપાઈ હતી. વાહન ચલાવતી વખતે નશો ન કરવા તેમજ મોબાઈલ ફોનનો ઉપયોગ ટાળવા કડક સૂચના આપવામાં આવી હતી.ઓવરસ્પીડિંગના કારણે થતા અકસ્માતો નિવારવા માટે વાહનની ઝડપ મર્યાદામાં રાખવા સમજ આપવામાં આવી હતી.આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય માર્ગ અકસ્માતોના દરમાં ઘટાડો લાવવાનો અને લોકોમાં સ્વયંશિસ્ત કેળવવાનો છે. વઘઈ પોલીસે જનતાને અપીલ કરતા જણાવ્યું હતું કે, ટ્રાફિકના નિયમો માત્ર દંડથી બચવા માટે નહીં, પરંતુ પોતાની અને પોતાના પરિવારની સુરક્ષા માટે પાળવા જોઈએ. “આપની સુરક્ષા એ જ અમારી પ્રાથમિકતા” ના સૂત્રને સાર્થક કરવા માટે દરેક નાગરિકનો સહયોગ અનિવાર્ય છે.આ કાર્યક્રમમાં વઘઈ પોલીસ મથકના પોલીસ અધિકારીઓ અને જવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને વાહનચાલકોને માર્ગ સલામતીના શપથ લેવડાવ્યા હતા..

Back to top button
error: Content is protected !!