વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં પોલીસ અધિક્ષક યશપાલ જગાણીયાના માર્ગદર્શન હેઠળ આહવા સાયબર ક્રાઈમ પોલીસ વિભાગ દ્વારા સાયબર ક્રાઈમ જાગૃતિ દિવસની ઉજવણી કરવામાં આવી હતી.આ ઉજવણીના ભાગરૂપે, આહવા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન દ્વારા ડાંગની વલ્લભ વિદ્યાલય સેકન્ડરી અને હાયર સેકન્ડરી સ્કૂલ તેમજ સ્વરાજ આશ્રમ આહવા ખાતે સાયબર જાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતુ.આ કાર્યક્રમમાં ધોરણ 9 થી 12 નાં આશરે 120 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો.અહી સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનનાં પી.આઈ. વી.કે.ગઢવીએ વિદ્યાર્થીઓને સાયબર ક્રાઈમ વિશે વિસ્તૃત માહિતી આપી હતી. તેમણે મોબાઈલ અને કમ્પ્યુટર દ્વારા ઇન્ટરનેટના માધ્યમથી થતા વિવિધ પ્રકારના ગુન્હાઓ, હેકિંગ અને છેતરપિંડી વિશે માહિતી આપી હતી.તેમણે વિદ્યાર્થીઓને આ ગુન્હાઓથી બચવા માટે સાવધાની વિશે પણ માહિતગાર કર્યા હતા.વધુમાં, તેમણે સાયબર ક્રાઈમ હેલ્પલાઈન નંબર 1930 ની માહિતી પણ આપી હતી.ત્યારે ડાંગ સાઈબર ક્રાઈમ પોલીસ વિભાગ આહવા દ્વારા આ રીતે જાગૃતિ ફેલાવવામાં આવતા સ્થાનિકો સહિત વિદ્યાર્થીઓ દ્વારા તેમની કામગીરીને બિરદાવવામાં આવી હતી.