ડાંગ જિલ્લાનાં આહવા એસટી ડેપોની શામગહાન-આહવા એસ.ટી. બસ જ્યારે ઉમરપાડા-ટેમરૂનઘરટાં ગામ વચ્ચેના વળાંકમાંથી પસાર થઈ રહી હતી ત્યારે એકાએક બંધ થઈ ગઈ હતી.એસટી બસ બંધ થવાથી મુસાફરો ભયભીત થયા હતા.બસ બંધ થતા તે પાછળની તરફ આવવા લાગી હતી અને સંરક્ષણ માટે લગાવેલ એન્ગલ સાથે અથડાઈને અટકી ગઈ હતી.આ ઘટનાના કારણે એક મોટી દુર્ઘટના ટળી હતી.જોકે આ ઘટનામાં મુસાફરોમાં ગભરાટ ફેલાયો હતો કારણ કે તેઓને ખબર હતી કે બસ બ્રેક ફેલ થવાથી ગમે ત્યારે ઊંડા ખાડામાં પડી શકે છે.સદનસીબે, બસનો પાછળનો ભાગ રસ્તાની બાજુમાં લગાવવામાં આવેલા સંરક્ષણ એન્ગલ સાથે અથડાયો અને ત્યાં જ અટકી ગયો.આ અકસ્માતને કારણે કોઈ જાનહાનિ થઈ ન હતી, પરંતુ મુસાફરો ડરના કારણે બસમાંથી નીચે ઉતરી ગયા હતા. જોકે, આ ઘટનાથી લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ વિસ્તારમાં ફરતી બસો ઘણી જૂની અને ખખડધજ છે. બસમાં વારંવાર ટેકનિકલ સમસ્યાઓ ઉભી થાય છે. ડાંગ જિલ્લાના મુસાફરોને આવી બસના કારણે જીવના જોખમે મુસાફરી કરવી પડે છે.રાજ્ય પરિવહન નિગમ આ જૂની બસોને બદલીને નવી બસો ચાલુ કરવામાં આવે, જેથી મુસાફરોની સલામતી સુનિશ્ચિત કરી શકાય. આ ઘટના બાદ એસટી વિભાગ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવશે કે કેમ તે તો આવનાર સમયમાં જોવું રહ્યુ..