વાત્સલ્યમ સમાચાર
ડાંગ
બાળકોની ઉચ્ચ કારકિર્દી માટે શિક્ષકોની ભૂમિકાનું મહત્વ સ્પષ્ટ કરતા પ્રિન્સિપલ સેક્રેટરી
સાકરપાતળ ખાતે બાલવાડી અને ધોરણ-૧ માં પ્રવેશપાત્ર બાળકોને ‘શાળા પ્રવેશોત્સવ’ કાર્યક્રમના માધ્યમથી પ્રવેશ કરાવતા રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગના પ્રિન્સિપલ સેક્રેટરીશ્રી ડો.એસ.મુરલીક્રિષ્નાએ, આદિવાસી સમાજના સર્વાંગીણ ઉત્કર્ષ માટે સતત પ્રયત્નશીલ રાજ્ય સરકારે વિવિધ યોજનાઓ અમલી બનાવી છે તેમ જણાવી, સૌને તેનો લાભ લઈને ઉચ્ચ કારકિર્દી ઘડતર તરફ પ્રયાણ કરવાનું આહવાન કર્યું હતું.
આદિવાસી ક્ષેત્રના બાળકો, વિદ્યાર્થીઓ સહિત વાલીઓને વિશેષ જાગૃતિ દાખવવાની અપીલ કરતા ડો.એસ.મુરલીક્રિષ્નાએ, બાળકો અને વાલીઓ સાથે સીધો સંવાદ સાધી, તેમને પ્રોત્સાહિત કર્યા હતા. પ્રિન્સિપલ સેક્રેટરીશ્રીએ વિદ્યાર્થીઓને ભાવિ ઘડતર માટે સ્પર્ધાત્મક પરીક્ષાઓ જેવા તબક્કે વિશેષ પ્રયાસો કરવા માટે, પ્રાથમિક શિક્ષણનો પાયો મજબૂત કરવો પડશે તેમ કહ્યું હતું.
આઈ.આઈ.ટી, જે.ઇ.ઇ., નિટ જેવી ઉચ્ચ કારકિર્દી ઘડતર માટે જરૂરી ઉચ્ચ કક્ષાની ભૌતિક સુવિધાઓ સાથે, ગ્રામજનોને વિશેષ જાગૃતિ સાથે આગળ વધવાનું માર્ગદર્શન આપતા પ્રિન્સિપલ સેક્રેટરીશ્રીએ, આ માટે શિક્ષકોની ભૂમિકા ખૂબ અગત્યની છે તેમ જણાવ્યું હતું. સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે રાજ્ય સરકારના આદિજાતિ વિકાસ વિભાગની કોચિંગ માટેની વિવિધ યોજનાઓની જાણકારી પણ ડો.એસ.મુરલીક્રિષ્ના એ આ વેળા આપી હતી.
‘શાળા પ્રવેશોત્સવ’ ના બીજા દિવસે વઘઇ તાલુકાના સાકરપાતળ ગામની પ્રાથમિક શાળાની મુલાકાત વેળા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી ચંદરભાઈ ગાવિતે, વડાપ્રધાનશ્રીના કન્યા કેળવણીના સ્વપ્નની પૂર્તિ માટે સૌએ જાગૃત થઈને પોતાના સંતાનોને શિક્ષણના સંસ્કાર આપવા પડશે તેમ જણાવ્યું હતું.
કાર્યક્રમ વેળા જિલ્લા ભાજપા પ્રમુખ શ્રી કિશોરભાઈ પટેલ, સ્થાનિક અગ્રણીઓ, જિલ્લા શિક્ષણાધિકારી શ્રી જીગ્નેશ ત્રિવેદી સહિતના પ્રશાસનિક અધિકારીઓ, શિક્ષકો, શાળા પરિવાર, અને વાલી મંડળો તથા ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
દરમિયાન શાળાના તેજસ્વી તારલાઓનું સન્માન, ખેલ ક્ષેત્રમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા વિદ્યાર્થીઓનું અભિવાદન, શૈક્ષણિક કીટનું વિતરણ, વૃક્ષારોપણ, છાત્રાલયની સેવા સુવિધાઓની જાણકારી મેળવવા સહિત વાલી મિટિંગ પણ યોજી હતી.