ભારત સરકારના “સ્વચ્છતા હી સેવા” પ્રકલ્પ હેઠળ તા.૧૭ સપ્ટેમ્બર થી ૨ ઓક્ટોબર સુધી ” એક કદમ સ્વચ્છતા કી ઔર ” અભિયાન ચાલી રહ્યું છે. જે અંતર્ગત પાલનપુરની સ્વસ્તિક શૈક્ષણિક સંકુલ સંચાલિત શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા અને લીડ બેન્ક ઓફ બરોડાના સંયોજન હેઠળ “સ્વચ્છતા પોસ્ટર ડ્રોઈંગ કોમ્પિટિશન” નું આયોજન કરવામાં આવ્યું હતું.આ અંતર્ગત શ્રીમતી સાળવી પ્રાથમિક શાળા ધોરણ: ૬ થી ૮ અને સ્વસ્તિક આર્ટ એકેડમીના કુલ ૧૭૧ જેટલા બાળ કલાકારોએ સ્વચ્છ ભારત જાગૃતિ અંગે વિવિધ રંગબેરંગી પોસ્ટર ડ્રોઈંગ તૈયાર કર્યા હતા. આ પોસ્ટર ડ્રોઈંગ કોમ્પીટીશન પૂર્ણ થયા બાદ બાળકોને સ્વચ્છતા અંગેની પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. કાર્યક્રમના અંતે પોસ્ટર ડ્રોઇંગ કોમ્પિટિશનમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર પ્રથમ ત્રણ વિજેતાઓને લીડ બેંક ડિસ્ટ્રિક્ટ મેનેજર- બનાસકાંઠા હેમંત ગાંધી, બેંક ઓફ બરોડા આબુ હાઇવે શાખાના ચીફ મેનેજર સીન્ટુ શાહા નાં વરદ હસ્તે વિશેષપ્રમાણપત્ર અને ઇનામ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા. તદઉપરાંત, ભાગ લેનાર તમામ બાળ કલાકારોને પણ પ્રમાણપત્ર આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.આ સમગ્ર આયોજન સ્વસ્તિક શૈક્ષણિક સંકુલના પ્રમુખ રમેશભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ શ્રીમતી સાળવી પ્રાથમિક શાળાના ધો.૬ થી ૮ વિભાગના આચાર્ય રવિન્દ્રભાઈ મેણાત અને ઉપાચાર્યા રંજનબેન પટેલ, સ્વસ્તિક આર્ટ એકેડેમી ના કો- ઓર્ડીનેટર નયન ચત્રારિયા સહિત સમગ્ર સ્ટાફના સહયોગથી કરવામાં આવ્યું હતું.