AHAVADANG

દગડીઆંબા બેઠક પર ભાજપમાં બેખેડો : મેન્ડેટ સામે ડમી, માજી પ્રમુખને ખેંચ આવતા હોસ્પિટલમાં ખસેડાયા

વાત્સલ્યમ સમાચાર

   મદન વૈષ્ણવ

શિસ્તબદ્ધ ડાંગ ભાજપામાં બે મોરચા – 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના દિવસે રાજકીય ચિત્ર સ્પષ્ટ થશે..

ડાંગ જિલ્લાની વઘઇ તાલુકાની દગડીઆંબા બેઠક પર ભાજપમાં આંતરિક વિખવાદ હવે ખુલ્લા રાજકીય જંગમાં પરિવર્તિત થયો છે. પાર્ટી દ્વારા સત્તાવાર મેન્ડેટ આપવામાં આવ્યા છતાં ડમી ઉમેદવારી નોંધાતા તણાવ ચરમસીમાએ પહોંચી ગયો છે.

ભાજપા દ્વારા માજી તાલુકા પંચાયત પ્રમુખ ચંદરભાઈ ગાવિતની પત્ની વનિતાબેન ગાવિતને સત્તાવાર ઉમેદવાર તરીકે મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. પરંતુ બીજી તરફ માજી જિલ્લા પંચાયત પ્રમુખના ગ્રુપ દ્વારા ડમી ઉમેદવાર ઉભો કરવામાં આવતા એક જ પાર્ટીમાં બે મોરચા સર્જાયા છે.

આજે વઘઇ ખાતે જિલ્લા સંગઠન પ્રમુખની હાજરીમાં બેઠક દરમિયાન બંને પક્ષ આમને-સામને આવી જતા વાતાવરણ તંગ બન્યું હતું. ભારે બોલાચાલી વચ્ચે પરિસ્થિતિ બેકાબૂ બની ગઈ હતી. આ દરમિયાન ગરમા-ગરમીમાં ચંદરભાઈ ગાવિતને અચાનક ખેંચ આવતા તેમને તાત્કાલિક સરકારી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. આ ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર મચાવી દીધી છે.

હાલ દગડીઆંબા બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની ગઈ છે. બંને પક્ષ પોતાના ઉમેદવારને ટકાવી રાખવા માટે પૂરજોશમાં પ્રયત્ન કરી રહ્યા છે. “એક જ પાર્ટીમાં બે મોરચા” જેવી પરિસ્થિતિએ સંગઠનની એકતા પર સવાલો ઉભા કર્યા છે.

હવે આવનાર 15 એપ્રિલે ફોર્મ પરત ખેંચવાના દિવસે સ્પષ્ટ થશે કે કોણ મેદાનમાં ટકી રહે છે અને કોણ પછાડે છે. રાજકીય વિશ્લેષકોના મત મુજબ આ બેઠક પર હાઈવોલ્ટેજ રાજકીય ટક્કર જોવા મળશે.

Back to top button
error: Content is protected !!