
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
અમેરિકા અને કેનેડામાં મોટેલ ૬ અને સ્ટુડિયો ૬ બ્રાન્ડની પેરેન્ટ કંપની, જી૬ હોસ્પિટાલિટીએ મકરસંક્રાંતિના તહેવાર પૂર્વે ગુજરાતના ફ્રેન્ચાઈઝી માલિકોનું સન્માન કરવા નવસારીમાં એક વિશેષ સમારોહનું આયોજન કર્યું હતું. આ કાર્યક્રમમાં ઉત્તર અમેરિકામાં ૧,૫૦૦થી વધુ હોટેલ્સ સાથે મોટેલ ૬ અને સ્ટુડિયો ૬ ને સૌથી મોટી ઈકોનોમી હોટેલ બ્રાન્ડ્સ બનાવવામાં ગુજરાતીઓના યોગદાનને બિરદાવવામાં આવ્યું હતું. આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય ‘ગુજરાતી અસ્મિતા’ અને બદલાતી બજાર વ્યવસ્થા તેમજ સતત વિકસતા ઉદ્યોગમાં સફળ હોસ્પિટાલિટી બિઝનેસ સ્થાપિત કરનારા ગુજરાતીઓની સાહસિક વૃત્તિની ઉજવણી કરવાનો હતો.
નવસારીમાં એકત્ર થયેલા આ પ્રતિષ્ઠિત હોટેલીયર્સ, જેમાંથી ઘણા સુરત, નવસારી અને બારડોલીના મૂળ વતની છે, તેમણે મોટેલ 6 અને સ્ટુડિયો 6 ને અમેરિકાભરમાં સસ્તી અને વિશ્વસનીય હોસ્પિટાલિટીના વિશ્વાસપાત્ર સ્તંભોમાં પરિવર્તિત કર્યા છે. વૈશ્વિક મહામારીનો સામનો કરવાથી માંડીને રિકવરી પછીના ટ્રાવેલ બૂમનો લાભ લેવા સુધી, તેમની દ્રઢતાએ માત્ર બ્રાન્ડ્સને ટકાવી જ નથી રાખી પણ વધુ મજબૂત બનાવી છે. તેમણે રોજગારીનું સર્જન કર્યું છે, સામુદાયિક સંબંધો બાંધ્યા છે અને લાખો મહેમાનોને સતત શ્રેષ્ઠ સેવા પૂરી પાડી છે.
આ કાર્યક્રમનું ઉદઘાટન ગુજરાતના નામાંકિત ઉદ્યોગપતિઓ શ્રી સવજી ધોળકિયા અને શ્રી ચંદ્રકાંત ‘ચાન’ પટેલ દ્વારા કરવામાં આવ્યું હતું. સવજી ધોળકિયા જાણીતા ભારતીય હીરા ઉદ્યોગપતિ, સમાજસેવક અને હરિ ક્રિષ્ના એક્સપોર્ટસના સ્થાપક છે. વ્યવસાયિક શ્રેષ્ઠતા સાથે ઉદારતા અને સામાજિક જવાબદારીના અસાધારણ કાર્યો માટે વિશ્વભરમાં તેમની પ્રશંસા થાય છે. ચાન પટેલ સ્ટેટ બેંક ઓફ ટેક્સાસના સ્થાપક અને ચેરમેન છે તથા હોસ્પિટાલિટી ઉદ્યોગ સાથે ઊંડો નાતો ધરાવતા અગ્રણી ઉદ્યોગસાહસિક છે. તેઓ સમગ્ર યુનાઇટેડ સ્ટેટ્સમાં સફળ હોસ્પિટાલિટી સાહસોનું નિર્માણ કરતી વખતે વ્યૂહાત્મક નાણાકીય નેતૃત્વ દ્વારા અન્ય ઉદ્યોગસાહસિકોને ટેકો આપવા માટે જાણીતા છે.
જી6 હોસ્પિટાલિટીના ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સોનલ સિંહાએ જણાવ્યું હતું કે, “અમારા હોટેલ માલિકોની વાર્તાઓમાં ‘ગુજરાતી અસ્મિતા’ સૌથી વધુ ચમકે છે, જેમણે પોતાના મૂળ સાથે જોડાયેલા રહીને વિશ્વભરમાં પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. અમે આ ભાગીદારીનું સાચા અર્થમાં મૂલ્ય સમજીએ છીએ અને સાથે મળીને જે નિર્માણ કર્યું છે તેના પર અમને ગર્વ છે. તેમની સાહસિક ભાવના અને મનોબળ સાબિત કરે છે કે શા માટે ગુજરાતીઓ વૈશ્વિક વ્યવસાયમાં મોખરે છે.”
સીકેપી હોસ્પિટાલિટીના પ્રમુખ અને સીઈઓ હર્ષદ પટેલે જણાવ્યું હતું કે, “ગુજરાત હંમેશા તેના મહેનતુ અને સાહસિક લોકો માટે જાણીતું છે. અમે દ્રઢતા અને પ્રમાણિકતા સાથે અમેરિકામાં મજબૂત વ્યવસાયો ઊભા કર્યા છે. મારા પોતાના લોકો સાથે અહીં ઉપસ્થિત રહીને હું ખૂબ જ ઉત્સાહિત છું. આ વર્ષે અમારું ધ્યાન ટેક્નોલોજી આધારિત વિકાસ અને અમારા વ્યવસાયોને વધુ મજબૂત બનાવવા પર છે.”
જી6 હોસ્પિટાલિટી મોટેલ 6 અને સ્ટુડિયો 6 નું સંચાલન કરે છે, જે યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડામાં 1,500 થી વધુ લોકેશન ધરાવે છે. વ્યાજબી દરોમાં રોકાણ માટે જાણીતી આ બ્રાન્ડ્સ પ્રવાસીઓને સ્વચ્છ અને આરામદાયક રહેવાની સગવડ પૂરી પાડે છે.




