
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનું સુપ્રસિદ્ધ અને પવિત્ર આસ્થાકેન્દ્ર એવા અર્ધ નારેશ્વર નાગ જ્યોતિર્લિંગ મંદિર, બિલમાળ ખાતે દેવાધિદેવ મહાદેવના પાવન પર્વ મહાશિવરાત્રી નિમિતે વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું ભવ્ય આયોજન કરવામાં આવ્યુ છે.મંદિર ટ્રસ્ટ તથા આયોજકો દ્વારા ઉત્સવને સફળ બનાવવા માટે તમામ તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે.મહાશિવરાત્રી પર્વ નિમિતે શુક્રવારના રોજ રાત્રે 9 થી 11 વાગ્યા સુધી પૂજ્ય કૃષ્ણાજી મહારાજ દ્વારા ભક્તિમય કીર્તન કાર્યક્રમ યોજાશે.ત્યારબાદ શનિવારે રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન સંજય નાના મહારાજ દ્વારા કીર્તન યોજાશે અને ભક્તોને ભક્તિરસમાં તરબોળ કરવામાં આવશે.રવિવારે બપોરે 12 વાગ્યે ભવ્ય મહા આરતી તથા દિવ્ય દર્શનનો કાર્યક્રમ યોજાશે, જેમાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો ઉપસ્થિત રહેવાની શક્યતા છે. આ ઉપરાંત દરરોજ બપોરે 12 થી 3 વાગ્યા સુધી પ્રસિદ્ધ ભગવતચાર્ય કવિતાબેન પગારના સુમધુર સ્વરમાં શિવ મહાપુરાણ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જે ભક્તજનો માટે આધ્યાત્મિક જ્ઞાનનો અનોખો અવસર પુરો પાડશે.તે ઉપરાંત દરરોજ રાત્રે 9 થી 11 વાગ્યા દરમિયાન પરમ પૂજ્ય સંત સ્વામી અનેકરૂપિના પ્રેરણાદાયી પ્રવચન તથા દર્શનનો લાભ પણ ભક્તોને મળશે.મંદિર ટ્રસ્ટ દ્વારા મહાશિવરાત્રી મહોત્સવને સફળ બનાવવા માટે પ્રકાશ વ્યવસ્થા, ભક્તો માટે જરૂરી સુવિધાઓ તેમજ શિસ્તબદ્ધ આયોજનની વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે.અર્ધ નારેશ્વર નાગ જ્યોતિર્લિંગ મંદિર પરિવાર દ્વારા સર્વે ભાવિક ભક્તોને મહાશિવરાત્રીના આ પવિત્ર અવસરે ઉપસ્થિત રહી ભગવાન શિવના આશીર્વાદ પ્રાપ્ત કરવા હાર્દિક આમંત્રણ પાઠવવામાં આવ્યું છે..





