ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં ૧૮૧ મહિલા અભયમ ટીમે એક અત્યંત સંવેદનશીલ અને પ્રશંસનીય કામગીરી કરી છે.ઘરેલુ હિંસા અને દારૂના વ્યસનના કારણે વિખૂટા પડેલા એક પરિવારના બે વર્ષના બાળકનું તેની માતા સાથે સુખદ મિલન કરાવી ટીમે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યુ છે.ઘટનાની વિગત એવી છે કે, સુબીર તાલુકાના એક ગામમાં રહેતી પીડિત મહિલાએ ૧૮૧ મહિલા અભયમ હેલ્પલાઇન પર મદદ માટે કોલ કર્યો હતો. મહિલાએ જણાવ્યું કે તેના પતિને દારૂનું વ્યસન છે અને તે વારંવાર મારઝૂડ કરે છે. આથી, ત્રાસથી કંટાળીને તે તેના ત્રણ બાળકો સાથે પિયર ચાલી ગઈ હતી. જોકે, પિયર ગયાના બે દિવસ બાદ જ તેનો પતિ દારૂ પીધેલી હાલતમાં ત્યાં આવી પહોંચ્યો. તેણે બે દીકરીઓને તો મહિલા પાસે રહેવા દીધી, પરંતુ બે વર્ષના નાના દીકરાને બળજબરીપૂર્વક પોતાની સાથે લઈ ગયો. પીડિત માતાએ પોતાના બાળકને પરત મેળવવા માટે ૧૮૧ અભયમ ટીમને આજીજી કરી હતી.આ કોલ મળતાં જ, ૧૮૧ મહિલા અભયમ ટીમના કાઉન્સેલર નેહા મકવાણા, સહકર્મચારી જીઆરડી મારથાબેન અને પાયલોટ મીકેશભાઈ તાત્કાલિક કાર્યવાહીમાં લાગી ગયા. તેઓ પીડિત મહિલાના પિયર અને પતિના ઘરે પહોંચ્યા. ત્યાં તેમણે પતિ, તેનાં માતા-પિતા અને ગામના વડીલોની હાજરીમાં સમગ્ર પરિસ્થિતિની ગંભીરતાપૂર્વક ચર્ચા કરી. ટીમે પતિને તેના કૃત્યના પરિણામો અને કાયદાકીય જોગવાઈઓ વિશે સમજાવ્યો. ઘરેલુ હિંસા કાયદા હેઠળ થતી કાર્યવાહી વિશે માહિતગાર કરી, ટીમે પતિને ભવિષ્યમાં આવાં કૃત્યો ન કરવા માટે સમજાવ્યો.ટીમની સઘન કાઉન્સેલિંગ અને સમજાવટને કારણે પતિને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેણે દારૂનું વ્યસન છોડવાનું વચન આપ્યું અને તેની પત્ની તથા ત્રણેય બાળકોને ફરીથી પોતાના ઘરે લઈ જવા તૈયાર થયો. આ સમજૂતી બાદ, ઘટનાસ્થળે જ ટીમે બે વર્ષના બાળકને તેની માતાને પરત સોંપ્યું. પોતાના બાળકને ફરીથી છાતી સરસું ચાંપતા જ માતાની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા હતા. તેણે ૧૮૧ અભયમ ટીમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટનાએ ફરી એકવાર સાબિત કર્યું છે કે ૧૮૧ અભયમ હેલ્પલાઇન માત્ર એક નંબર નથી, પરંતુ સંકટમાં મુકાયેલી અનેક મહિલાઓ માટે આશાનું કિરણ છે..
«
Prev
1
/
91
Next
»
મોરબી મણીમંદિર દરગાહ ડિમોલેશન બાદ જિલ્લા પોલીસ અધિક્ષકે અગત્યની માહિતી આપતા જણાવ્યું કે.....
મોરબીમાં મણીમંદિરના પરિસરમાં આવેલ વિવાદિત દરગાહનું તંત્ર દ્વારા ડીમોલેશન હાથ ધરવામાં આવ્યું
MORBIમાં દારૂ, જુગાર અને ડ્રગ્સના દુષણ સામે કડક અમલવારી કરવા SC સમાજે પોલીસ વડાને આવેદનપત્ર આપ્યું