વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં ક્યાંક ધીમી ધારનો તો ક્યાંક મધ્યમ તો ક્યાંક ધોધમાર સ્વરૂપેનો વરસાદ પડતા ચોમાસાની ઋતુ પુર બહારમાં ખીલી ઉઠી છે.ડાંગ જિલ્લામાં બુધવારે વરસાદી જોર વધતા લોકમાતાઓમાં અંબિકા,ખાપરી,પૂર્ણા, ગીરા અને ધોધડ નદી બન્ને કાંઠે થઈ વહેતી જોવા મળી હતી.ડાંગ જિલ્લામાં વરસાદી માહોલનાં પગલે જિલ્લા પંચાયત હસ્તકના 4 જેટલા માર્ગો અવરોધાતા તે બંધ થવા પામ્યા છે. જેને પગલે 9 જેટલા ગામો પ્રભાવિત થયા છે.અને જિલ્લાનાં વહીવટી મથકેથી સંપર્કવિહોણા બન્યા છે.જેમાં (1) બોરખલ-હોલબારી રોડ (ચૌક્યા ગામથી પાંડવા ગામ સુધી), (2) લિંગા-ચૌક્યા રોડ (કોસંબિયા ગામથી ચૌક્યા ગામ સુધી), (3) કાકડવિહિર-ખેરિંદ્રા-ચમારપાડા રોડ, અને (4) વઘઇ-દોડીપાડા-દગડીઆંબા-ભેંડમાળ રોડનો સમાવેશ થાય છે.આ સાથે ગત તા.16 મી જૂનના રોજ આહવા તાલુકાના બોરખલ ગામના પશુપાલક સુરેશભાઇ અર્જુનભાઈ પાડવીની માલિકીનો એક બળદ પુરમાં તણાઈ જતા મૃત્યુ પામ્યો હતો.જેની ડેડબોડી તા.20મી જુને મળી આવી હતી. જેના પી.એમ. સહિતની આનુષાંગિક કામગીરી સંબંધિત વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.ડાંગ જિલ્લા ડિઝાસ્ટર વિભાગનાં જણાવ્યા અનુસાર છેલ્લા 24 કલાક દરમ્યાન આહવા પંથકમાં 52 મિમી અર્થાત 2.08 ઈંચ, સુબિર પંથકમાં 46 મિમી અર્થાત 1.84 ઈંચ, સાપુતારા પંથકમાં 62 મિમી અર્થાત 2.48 ઈંચ, જ્યારે સૌથી વધુ વઘઇ પંથકમાં 85 મિમી અર્થાત 3.4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો હતો..