વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ડાંગ જિલ્લાના મહિલા અને બાળ અધિકારીશ્રીની કચેરી દ્વારા તા. ૨૫ નવેમ્બર થી ૧૦ ડિસેમ્બર દરમિયાન “મહિલાઓ વિરુધ્ધ થતી હિંસા નાબૂદી અભિયાન” અંતર્ગત તા.૨૭/૧૧/૨૦૨૪ ના રોજ સુબીર તાલુકાના ખાંભલા ગામે “ઘરેલુ હિંસા અધિનિયમ ૨૦૦૫” અંતર્ગત એક દિવસીય માર્ગદર્શન સેમિનાર યોજાયો હતો. આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત મહિલા અને બાળ અધિકારીશ્રી ડૉ. મનિષા મુલતાનીએ કાર્યક્રમને અનુરૂપ પ્રાસંગિક વક્તવ્ય આપી ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ વિષયક માહિતી આપી હતી. કાર્યક્રમમાં કાનુની સેવા સત્તા મંડળના વકીલ શ્રી સંજયભાઇ બારિયાએ ઘરેલુ હિંસા અધિનિયમ-૨૦૦૫ હેઠળ કાયદાકીય માહિતી સુરક્ષા અંગેનો હુકમ,રહેઠાણ અંગેનો હુકમ, નાણાંકીય રાહત અને ભરણ પોષણનો હુકમ, બાળકના કબજા અંગેનો હુકમ, વચગાળા અંગેનો હુકમ બાબતે માહિતી આપી હતી.ડિસ્ટ્રિક્ટ હબ ફોર એમ્પાવરમેન્ટ ઓફ વુમનના (DHEW) જેન્ડર સ્પેશ્યાલિસ્ટ શ્રી વિજયભાઇ ગાવિત દ્વ્રારા મહિલા સ્વાવલંબન યોજના વિશે સંપુર્ણ માહિતી આપી હતી. તેમજ જેન્ડર સ્પેશ્યાલીસ્ટ પીયુષભાઇ ચૌધરીએ ગંગા સ્વરૂપા આર્થીક સહાય યોજના, ગંગા સ્વરૂપા પુન:લગ્ન આર્થીક સહાય યોજના તથા વ્હાલી દિકરી યોજના વિશે માહિતી આપવામાં આવી હતી. આ ઉપરાંત ઉપસ્થિત અન્ય શાખા કર્મીઓ દ્વારા મહિલાઓને લગતી માહિતી આપવામાં આવી હતી.