
વાત્સલ્યમ સમાચાર-મદન વૈષ્ણવ
કુદરતી સૌંદર્યથી ભરપૂર ડાંગ જિલ્લાનાં પ્રવેશદ્વાર વઘઇ નજીક આવેલ ગીરાધોધની પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ આકસ્મિક મુલાકાત લીધી હતી.
જિલ્લામાં આયોજન બેઠક અર્થે પધારેલા મંત્રીએ ગીરા ધોધ ખાતે પ્રવાસીઓ અને સ્થાનિકોને પડતી વિવિધ મુશ્કેલીઓ અંગે ચર્ચા-વિચારણા કરી હતી.તેમની રજૂઆતો સાંભળી અને તેના તાત્કાલિક નિરાકરણ માટે સંબંધિત વિભાગોને સૂચનાઓ આપી હતી.આ મુલાકાતથી સ્થાનિકો અને પ્રવાસીઓમાં સંતોષ જોવા મળ્યો છે.ગીરાધોધ વઘઇ તેની નયનરમ્ય સુંદરતાને કારણે ગુજરાત ઉપરાંત પાડોશી રાજ્યો જેવા કે મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષે છે.આ પ્રવાસી સ્થળ જિલ્લા માટે એક મહત્વપૂર્ણ પ્રવાસન કેન્દ્ર છે.જોકે, છેલ્લા કેટલાક સમયથી પ્રવાસીઓ અને સ્થાનિક વેપારીઓ કેટલીક સમસ્યાઓનો સામનો કરી રહ્યા હતા.સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, જિલ્લા પ્રશાસન દ્વારા પ્રવાસી વાહનોને મુખ્ય માર્ગ સુધી જ રાખવાનો આદેશ કરવામાં આવ્યો હતો.આના કારણે પ્રવાસીઓને, ખાસ કરીને બાળકો અને વરિષ્ઠ નાગરિકોને, ધોધ સુધી પહોંચવા માટે આશરે 2 કિલોમીટર પગપાળા જવુ પડતુ છે, જે ખૂબ અસુવિધાજનક છે.આ ગંભીર સમસ્યાને ધ્યાનમાં લેતા, પ્રભારી મંત્રી કુંવરજી હળપતિએ તાત્કાલિક ધોરણે જિલ્લા પોલીસ વડાને સૂચના આપી હતી કે, પ્રવાસી વાહનોને ધોધ નજીક આવેલા પાર્કિંગ સ્થળ સુધી જવાની મંજૂરી આપવામાં આવે.આ નિર્ણયથી પ્રવાસીઓને ધોધ સુધી પહોંચવામાં પડતી મુશ્કેલીઓનો અંત આવશે અને તેમની યાત્રા વધુ સુખદ બનશે.આ ઉપરાંત, મંત્રીએ ગિરા ધોધના કેચમેન્ટ વિસ્તાર પાસે આવેલી દુકાનોને વધુ વ્યવસ્થિત અને આધુનિક રીતે બનાવવાનું સૂચન કર્યું હતુ.આ વ્યવસ્થિત દુકાનો પ્રવાસીઓને વધુ સારી સેવાઓ પૂરી પાડશે.સૌથી મહત્વપૂર્ણ સૂચન એ હતુ કે, ધોધના બંને ડુંગરોને જોડતો એક પુલ બનાવવામાં આવે. આ પુલના નિર્માણથી પ્રવાસીઓ ધોધના નયનરમ્ય નજારાને જુદા જુદા ખૂણાઓથી માણી શકશે અને સુરક્ષિત રીતે આસપાસ ફરી શકશે.મંત્રીએ સંબંધિત તંત્રને આ ભવિષ્યલક્ષી યોજનાઓ પર તાત્કાલિક ધ્યાન આપવા અને તેને અમલમાં મૂકવા નિર્દેશ આપ્યા હતા.આ નિર્ણયોથી ગીરાધોધ વઘઇ પ્રવાસીઓ માટે વધુ આકર્ષક અને સુવિધાજનક સ્થળ બનશે તેવી આશા સેવાઈ રહી છે.વધુમાં મંત્રી કુંવરજી હળપતિએ પોતાના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી પ્રવાસીઓને સંદેશો આપતા જણાવ્યુ હતું કે,”આજે હું કુદરતી સૌંદર્યથી ભરપૂર એવા ડાંગ જિલ્લાના પ્રવાસે આવ્યો હતો. લીલાછમ પહાડો, ખળખળાતા ઝરણા, ધોધોની ગુંજતી ગાથા અને હરિયાળીથી છલકાતા જંગલો વચ્ચે અહિયાનું સૌંદર્ય જાણે ધરી પરનો સ્વર્ગ લાગે છે.આ પવિત્ર ધરતીને ભગવાને કુદરતી ખજાનો ભેટમાં આપ્યો હોય તેમ લાગે છે.અહીંના ધોધ અને નદીઓનું મનમોહક રૂપ હૃદયને સ્પર્શે છે.સાથે જ અહીંના ઢાલવટાળ વિસ્તાર અને પરંપરાગત જીવનશૈલી ધરાવતો આદિવાસી સમાજ પ્રેમ અને મહેમાનગતિ પણ હૃદય જીતી લે છે.હું દેશના પ્રવાસપ્રેમી બાંધવોને અનુરોધ કરું છું કે એક વખત જરૂર ડાંગ જિલ્લાની મુલાકાત લેવી જોઈએ.કુદરતને નજીકથી અનુભવીને નવો શ્વાસ લઈ શકો તેવો અનુભવ અહીં મળે છે.પરિવાર સાથે ગુણવત્તાવાળો સમય વિતાવવા અને ભારતની આ એક અનોખી ઓળખને સમજી લેવા માટે ડાંગ જેવું બીજુ કંઈ નથી.ચાલો, આપણે સૌ મળીને ડાંગ જિલ્લાના કુદરતી સમૃદ્ધિ, સંસ્કૃતિ અને આત્મિયતા અનુભવીએ!”





