AHAVADANG

ડાંગમાં દીપડાનો આતંક:-સુબીર તાલુકાનાં દહેર ગામે ઘર આંગણે રમતી ૫ વર્ષની બાળકી પર હુમલો, હાલત નાજુક..

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વન્ય પશુઓ અને દવા કરીને દીપડાના હુમલાની ઘટનાઓમાં ચિંતાજનક વધારો થયો છે. સુબીર તાલુકાના દહેર ગામના ધામડવિહિર ફળિયામાં ગત રાત્રિએ બનેલી એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર પંથકમાં ફફડાટ ફેલાવી દીધો છે. અહીં ઘરના આંગણે રમી રહેલી પાંચ વર્ષની બાળકી પર દીપડાએ જીવલેણ હુમલો કરતા પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.પ્રાપ્ત વિગતો અનુસાર, દહેર ગામમાં રહેતા કનેશભાઈ સાલકરની પાંચ વર્ષની દીકરી રીયાબેન ગઈકાલે રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં પોતાના ઘરના દરવાજા પાસે ઉભી હતી. રીયાના માતા-પિતા રોજીરોટી કમાવવા માટે સુગર ફેક્ટરીમાં મજૂરી કામ અર્થે ગયા હોવાથી બાળકી તેના દાદીના સહારે ઘરે હતી.આ દરમિયાન અંધારાનો લાભ લઈ ત્રાટકેલા દીપડાએ અચાનક રીયા પર હુમલો કરી તેને મોઢાના ભાગેથી દબોચી લીધી હતી.બાળકીની દાદીએ હિંમત દાખવી બૂમાબૂમ કરી મૂકતા અને ભારે સંઘર્ષ બાદ દીપડાના જડબામાંથી માસૂમ બાળકીને છોડાવવામાં સફળતા મળી હતી.દીપડાના આ હિંસક હુમલામાં રીયાને ગળા અને ચહેરાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચી હતી. લોહીલુહાણ હાલતમાં બાળકીને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે વલસાડની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી. હોસ્પિટલના તબીબોના જણાવ્યા અનુસાર, બાળકીની હાલત હાલ અત્યંત નાજુક અને ચિંતાજનક છે.આ ઘટનાની જાણ થતા જ ડાંગ ઉત્તર વન વિભાગના DCF મુરાલીલાલ મિણાના માર્ગદર્શન હેઠળ લવચાલી રેંજના R.F.O. અર્ચનાબેન હિરે અને તેમનો સ્ટાફ એક્શનમાં આવ્યો છે. વન વિભાગની ટીમે તાત્કાલિક દહેર ગામમાં દીપડાને પાંજરે પૂરવા માટે વિવિધ સ્થળોએ પાંજરા ગોઠવી દીધા છે. માનવીય અભિગમ દાખવતા ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ.મુરાલીલાલ મિણાનાં માર્ગદર્શન હેઠળ લવચાલી રેંજનાં R.F.O. અર્ચનાબેન હિરે અને તેમની ટીમ ઈજાગ્રસ્ત બાળકીના ખબર-અંતર પૂછવા વલસાડ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી અને બાળકીની સારવાર યોગ્ય રીતે થાય તે માટેના પ્રયત્નો હાથ ધર્યા છે.બીજી તરફ, સ્થાનિક ગ્રામજનોમાં વન વિભાગ પ્રત્યે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. લોકોનો આક્ષેપ છે કે વન વિભાગ દીપડાને પાંજરે પૂર્યા બાદ ટૂંકા સમયમાં જ ફરી નજીકના જંગલોમાં મુક્ત કરી દે છે, જેના કારણે દીપડાઓ ફરી માનવ વસ્તી તરફ વળી રહ્યા છે. ગ્રામજનોએ આ જોખમી પરિસ્થિતિનો કાયમી ઉકેલ લાવવાની ઉગ્ર માંગ કરી છે..

Back to top button
error: Content is protected !!