AHAVADANG

મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે સાપુતારા ખાતે તા.૨૬ જુલાઈએ મેઘ મલ્હાર મોન્સૂન ફેસ્ટિવલ’નો પ્રારંભ થશે

વાત્સલ્યમ સમાચાર
   મદન વૈષ્ણવ

*સાપુતારા ‘મેઘ મલ્હાર પર્વ અંતર્ગત કલેકટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને મહત્વની બેઠક યોજાઈ*


*“આમને ડાંગમાં યેજા”: અમારા ડાંગમાં પધારજો*

ગુજરાતના એકમાત્ર ગિરિમથક એવા સાપુતારા ખાતે પ્રવાસનની સાથે સાથે, સ્થાનિક રોજગારીને વધુને વધુ પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્યથી મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આગામી તા.૨૬ જુલાઈના રોજ ‘મેઘ મલ્હાર પર્વ-૨૦૨૫’નો ઉદ્ઘાટન સમારંભ યોજાનાર છે.

આગામી તા.૨૬ જુલાઇથી ૧૭ ઓગસ્ટ ૨૦૨૫ એમ કુલ ૨૩ દિવસ સુધી યોજાનાર આ રંગારંગ ફેસ્ટિવલના પ્રથમ દિવસે સવારે ૯.૦૦ કલાકે ‘એક ભારત શ્રેષ્ઠ ભારત’ થીમ પર ગુજરાત સહિત ૧૩ રાજ્યોના ૩૫૪ કલાકારો દ્વારા ભવ્ય ‘ફોક કાર્નિવલ પરેડ’ યોજાશે. પ્રથમ દિવસે સાપુતારા ખાતે મુખ્ય સર્કલ પર આવેલા મેદાનમાં મુખ્ય ડોમ બનાવવામાં આવશે, જ્યાં ઉદ્ઘાટન તેમજ રંગારંગ કાર્યક્રમનું આયોજન થનારું છે. સાપુતારા તળાવ ખાતે એમ્ફિથિયેટર ગાર્ડનમાં જુદી જુદી એક્ટિવિટી કરવા માટે, ફૂડ કોર્ટ ખાતે વિવિધ ખાણીપીણીના સ્ટોલ, રેકડી બજાર ખાતે બેમ્બુ આર્ટ તેમજ ક્રાફ્ટને લગતા સ્ટોલ ઉભા કરવા માટે ટુરિઝમ ક્રોપોરેશન ઓફ ગુજરાત, ગાંધીનગર દ્વારા સૂચનો કરવામાં આવ્યા છે.

ગુજરાત સરકારનાં પ્રવાસન નિગમ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં ઉદ્ઘાટક તરીકે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સહિત પ્રવાસન, સાંસ્કૃતિક પ્રવૃતિઓ, વન અને પર્યાવરણ, ક્લાઈમેટ ચેન્જ વિભાગનાં મંત્રી શ્રી મુળુભાઈ બેરા, આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, ગ્રામ વિકાસ વિભાગ તેમજ ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિ પણ વિશેષ ઉપસ્થિત રહેશે. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાનાર આ કાર્યક્રમના સુચારૂ આયોજન તેમજ કામગીરી સંદર્ભે, ડાંગ જિલ્લા વહિવટી તંત્રના વડા એવા કલેકટર સુશ્રી શાલિની દુહાનના અધ્યક્ષ સ્થાને જિલ્લા સેવા સદન ખાતે એક મહત્વની બેઠક યોજાઇ હતી.

જેમા મહત્વના સ્થળે હોર્ડિંગ્સ, ઓપનીંગ સેરેમની, રેઈન ડાંસ, પરેડ, ગાઈડેડ ટુર, સેલ્ફી બુથ, ટેબ્લો પ્રદર્શન, સોવેનીયર શોપ જેવી બાબતો અંગે જિલ્લા વહીવટી તંત્રના લાગુ પડતા વિભાગના અધિકારીઓએ ગુજરાત ટુરીઝમના પ્રતિનિધિઓ સાથે ચર્ચા વિચારણા કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ વખતે મોન્સુન ફેસ્ટીવલમાં ઓપેરેશન સિંદુર થીમ પર પ્રદર્શન તેમજ ૧૩ રાજ્યોના કુલ ૩૫૪ કલાકારો પરફોર્મન્સ આપવાના છે જે આકર્ષણનું કેન્દ્ર રહેશે.

આ બેઠકમાં ટુરીઝમ વિભાગના અધિકારીઓ સહિત જિલ્લા વિકાસ અધિકારી શ્રી કે.એસ.વસાવા, નિવાસી અધિક કલેકટર શ્રી વી.કે.જોશી, પોલીસ અધિક્ષક શ્રી એસ.જી.પાટીલ, ચીફ ઓફિસર શ્રી યુ.વી.પટેલ, વાહન વ્યવહાર, માર્ગ અને મકાન, વીજ, શિક્ષણ, આરોગ્ય, માહિતી અને પ્રસારણ, તેમજ વન વિભાગ જેવા સરકારના વિવિધ વિભાગોના અધિકારીઓને, સંબંધિત કાર્યક્રમની આનુષાંગિક કામગીરીથી અવગત કરાયા હતા. બેઠકમાં આવનારા મહોત્સવ દરમિયાન પરસ્પર સંકલન અને સહયોગ સાથે કામગીરી પાર પાડવા કલેક્ટર સુશ્રી શાલિની દુહાને સુચનો કર્યા હતા.

*બોક્ષ*
*’મોન્સૂન ફેસ્ટિવલ’ માટે કેમ સાપુતારા જ…?*

સાપુતારાના સર્વોચ્ચ બિંદુ પર આવેલો ટેબલ ટોપ પોઈન્ટ શાંત વાતાવરણ, અને ઠંડા પવનોથી પ્રવાસીઓને મંત્રમુગ્ધ કરી દે છે. અહિં પ્રવાસીઓ ઘોડે સવારીનો અનુભવ પણ કરી શકે છે. જેમ સુર્યાસ્ત થાય તેમ પ્રવાસીઓ રોમાંચક રોપ વે રાઈડ માટે સનસેટ પોઈન્ટ તરફ ઉમટે છે. સાપુતારા તળાવના વિહંગમ નજારા સાથે કેબલ કારની મુસાફરી પણ પ્રવાસીઓને રોમાંચક અનુભૂતિ કરાવે છે. આમ, પરિવાર અને મિત્રો સાથે ફરવા માટેનું સ્થળ શોધી રહ્યા હો તો સાપુતારાની મુલાકાત તમને મનમોહક દ્રશ્યો અને શાંત વાતવરણ સાથે યાદગાર અનુભવનું વચન આપે છે.

Back to top button
error: Content is protected !!