
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
પ્રકૃતિના ખોળે વસેલા ડાંગ જિલ્લાના મુખ્ય માર્ગો પર અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો છે.શનિવારે રાત્રે આહવા-વઘઈ સ્ટેટ હાઈવે પર નડગખાદી ગામ પાસે એક ભયાનક માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એસટી બસ અને બાઈક વચ્ચે થયેલી જોરદાર ટક્કરમાં 41 વર્ષીય બાઈક સવારનું કમકમાટીભર્યું મોત નીપજ્યું છે.પ્રાપ્ત વિગતો અનુસાર, શનિવારે રાત્રે આશરે 9 વાગ્યાના અરસામાં આહવા ડેપોની આહવા-અમદાવાદ રૂટની એસટી બસ (નંબર: GJ 18 ZT 2454) પેસેન્જરો ભરીને પોતાના નિર્ધારિત રૂટ પર જઈ રહી હતી.તે જ સમયે, વઘઈથી આહવા તરફ આવી રહેલી બાઈક (નંબર: GJ 19 AL 5603) નડગખાદી ગામ પાસે આવેલા જોખમી વળાંક પર પહોંચી હતી. બાઈક ચાલક વળાંક પર પોતાની સાઈડ છોડીને ખોટી દિશામાં (રોંગ સાઈડમાં) વાહન હંકારી રહ્યો હતો.વળાંક હોવાને કારણે સામેથી આવતી એસટી બસના ડ્રાઈવરને બચવાનો મોકો મળ્યો ન હતો અને બાઈક સીધી બસના આગળના ભાગે ધડાકાભેર અથડાઈ હતી.અકસ્માત એટલો જોરદાર હતો કે બાઈકનો કચ્ચરઘાણ વળી ગયો હતો. આ અકસ્માતમાં બાઈક સવાર રામચંદ્રભાઈ નવસુભાઈ બાગુલ (ઉંમર 41 વર્ષ), જેઓ આહવા તાલુકાના મોરઝીરા ગામના રહેવાસી હતા, તેમને માથાના તેમજ શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યું હતુ.અકસ્માતની જાણ થતા જ આસપાસના ગ્રામજનો અને રાહદારીઓ મદદે દોડી આવ્યા હતા. અકસ્માતને પગલે હાઈવે પર થોડો સમય ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી. ઘટનાની જાણ થતા જ સ્થાનિક પોલીસ કાફલો તુરંત સ્થળ પર પહોંચી ગયો હતો.વઘઇ પોલીસે મૃતદેહનો કબજો મેળવી પંચનામું કરી તેને પોસ્ટમોર્ટમ અર્થે સિવિલ હોસ્પિટલ ખસેડવાની તજવીજ હાથ ધરી હતી. હાલમાં પોલીસે એસટી બસ અને બાઈકને સાઈડ પર ખસેડી વધુ કાયદેસરની તપાસ શરૂ કરી છે..





