
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

આહવા, તા. 14 : વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ નિમિત્તે ડાંગ જિલ્લામાં આયોજિત વિવિધ કાર્યક્રમોની માહિતી આપવા આહવા સર્કિટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ યોજાઈ હતી. વલસાડ-ડાંગના સાંસદ ધવલભાઈ પટેલે મોદી સરકારના વિકાસ, ગરીબ કલ્યાણ અને આત્મનિર્ભર ભારતના વિઝન અંગે વિસ્તૃત માહિતી આપી હતી.
સાંસદશ્રીએ જણાવ્યું કે છેલ્લા 12 વર્ષ દરમિયાન જનધન, ઉજ્જવલા, આવાસ, આયુષ્માન ભારત અને ગરીબ કલ્યાણ અન્ન યોજના જેવી અનેક યોજનાઓના લાભો સીધા સામાન્ય નાગરિકો સુધી પહોંચ્યા છે. ડિજિટલ ઇન્ડિયા, મેક ઇન ઇન્ડિયા અને UPI જેવી પહેલોથી ભારત વૈશ્વિક સ્તરે નવી ઓળખ બનાવી રહ્યું છે.
તેમણે ડાંગ જિલ્લામાં યોજાનારા ‘પ્રગતિપથ યાત્રા’, ‘જનકલ્યાણ શિબિર’, ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ તથા ‘વિશ્વ યોગ દિવસ’ જેવા કાર્યક્રમોની વિગતો આપી હતી. આગામી દિવસોમાં જિલ્લાના વિવિધ વિસ્તારોમાં જનસેવા અને વિકાસલક્ષી કાર્યક્રમો યોજાશે.
આ પ્રસંગે જિલ્લા ભાજપ પ્રમુખ કિશોરભાઈ ગાવિત સહિત પત્રકારો અને આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.





