
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ગુજરાત ભાજપ આદિજાતિ મોરચાના નવનિયુક્ત પ્રદેશ અધ્યક્ષ ગણપત વસાવાના સન્માનમાં ડાંગ જિલ્લા ભાજપ સંગઠન અને વિવિધ આદિવાસી સમાજો દ્વારા આહવા ખાતે એક ભવ્ય સન્માન સમારોહનું આયોજન કરવામાં આવ્યુ હતુ.ગુજરાત આદિજાતિ મોરચાનાં પ્રદેશ અધ્યક્ષ બન્યા બાદ આદિવાસી જિલ્લાઓના પ્રવાસના ભાગરૂપે તેઓ ડાંગની મુલાકાતે પહોંચ્યા હતા.આહવા-સાપુતારા માર્ગ પરથી એક વિશાળ રેલી સાથે તેઓનું સન્માન કરવામાં આવ્યુ હતુ. આ રેલીમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો અને આદિવાસી સમાજના લોકો જોડાયા હતા. રેલી શહેરના મુખ્ય માર્ગો પર ફરીને ‘રંગઉપવન’ ખાતે એક જાહેર સભામાં પરિવર્તિત થઈ હતી. સમગ્ર માર્ગ દરમિયાન આદિવાસી પરંપરા મુજબ વાજતે-ગાજતે અને નૃત્ય સાથે આદિવાસીઓનાં લોકપ્રિય નેતા એવા ગણપત વસાવા તથા અન્ય મહાનુભાવોનું આત્મીય સ્વાગત કરવામાં આવ્યું હતું.આ સન્માન સમારોહમાં રાજ્યના કેબિનેટ મંત્રી નરેશ પટેલ, સાંસદ ધવલ પટેલ,ડાંગ ધારાસભ્ય વિજય પટેલ,જિલ્લા પંચાયત પ્રમુખ નિર્મળાબેન ગાઈન,ડાંગ ભાજપા પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીતિ,આદિજાતિ મોરચા મંત્રી સુભાષ ભાઈ ગાઈન તેમજ જિલ્લા ભાજપ સંગઠનના હોદ્દેદારો અને આદિવાસી સંગઠનોના અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.જાહેર સભાને સંબોધતા ઉપસ્થિત નેતાઓએ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી (AAP) ની નીતિઓ પર આકરા પ્રહાર કર્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, ભાજપ સરકારે હંમેશા આદિવાસી વિસ્તારોના વિકાસ અને કલ્યાણલક્ષી યોજનાઓને પ્રાધાન્ય આપ્યું છે.સરકારની યોજનાઓ છેવાડાના આદિવાસી માનવી સુધી પહોંચી રહી છે.શિક્ષણ, આરોગ્ય અને માળખાગત સુવિધાઓમાં ડાંગ જિલ્લો પ્રગતિ કરી રહ્યો છે.પોતાના સંબોધનમાં ગણપત વસાવાએ આ ભવ્ય સન્માન બદલ ડાંગ જિલ્લા ભાજપ પરિવાર અને આદિવાસી સમાજના તમામ લોકોનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો. તેમણે આવનારા સમયમાં સંગઠનને વધુ મજબૂત બનાવવા અને આદિવાસી સમાજના પ્રશ્નોના નિરાકરણ માટે કટિબદ્ધતા વ્યક્ત કરી હતી..





