
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
સરદાર વલ્લભભાઈ પટેલની ૧૫૦મી જન્મજયંતિના અવસરે ગુજરાત વિદ્યાપીઠ, અમદાવાદના ૦૭શિક્ષકો તથા ૧૧૨ વિદ્યાર્થીઓ દ્વારા તા. ૧૦ નવેમ્બરથી ૧૫ નવેમ્બર ૨૦૨૫ દરમિયાન વલસાડ જિલ્લામાં સ્વાવલંબન-પદયાત્રા યોજાઈ હતી. આ પદયાત્રા દરમિયાન “સ્વાવલંબન અને સ્વદેશીનું પ્રેરણાસ્ત્રોત” તેમજ “સરદાર પટેલ અને સ્નાતક” જેવા વિષયો પર વિદ્યાર્થીમિત્રોમાં જાગૃતિ ફેલાવવા ખાસ સંવાદ અને માર્ગદર્શન કાર્યક્રમો યોજવામાં આવ્યા.
વલસાડ જિલ્લાના સરકારી, ગ્રાન્ટ-ઈન-એઈડ, નોન-ગ્રાન્ટ-ઈન-એઈડ, CBSE અને ICSE બોર્ડની કુલ ૩૦૨ શાળાઓના ૬૫,૦૦૦થી વધુ વિદ્યાર્થીએ આ કાર્યક્રમોમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને સ્વદેશી, સ્વાવલંબન અને રાષ્ટ્રીય એકતા અંગે મૂલ્યવાન માર્ગદર્શન પ્રાપ્ત કર્યું. સરદાર વલ્લભભાઈ પટેલના વિચારોથી પ્રેરાઈ ગ્રામઉદ્યોગ મેળા, સ્વદેશી ઉત્પાદન પ્રદર્શનો, તથા યુવા સ્વાવલંબન અભિયાન જેવી પ્રવૃત્તિઓ પણ યોજાઈ, જેનો હેતુ વિદ્યાર્થીઓમાં રાષ્ટ્રીય ગૌરવ, આત્મનિર્ભરતા અને દેશભક્તિના સંદેશને વધુ મજબૂત બનાવવાનો હતો. સરદાર પટેલનું જીવન રાષ્ટ્રીય એકતા, અડગ સંકલ્પ અને સ્વદેશી શક્તિનું ઉત્તમ પ્રેરણાસ્ત્રોત છે. આત્મનિર્ભર ભારત નિર્માણ માટે તેમની વિચારોને યુવા પેઢીમાં સ્થાપિત કરવાનો મુખ્ય સંકલ્પ રહ્યો હતો.
આ પદયાત્રા અને સંવાદ કાર્યક્રમ વલસાડ જિલ્લાના જિલ્લા શિક્ષણાધિકારી ડૉ. રાજેશ્રી એલ. ટંડેલના નેતૃત્વ, માર્ગદર્શન અને આયોજન દ્વારા સફળતાપૂર્વક પૂર્ણ થયો હતો.






