જીએમડીસી ને જમીન સંપાદન નહીં કરવા દેવા અને ગામડાઓ વિસ્થાપિત નહીં થવા માટે રેલીનું આયોજન કરવામાં આવ્યું
આગામી તા.૧ જૂન ના રોજ ભિલીસ્તાન ટાઈગર સેના દ્વારા વિસ્થાપિત થનાર ગામડાઓમાં જનજાગૃતિ રેલી નું આયોજન કરવામાં આવ્યું
ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન (જીએમડીસી)દ્વારા ઝઘડિયા તાલુકાના ડમલાઈ પ્રોજેક્ટ માટે આશરે ૧૪૦૦ હેક્ટર બ્લોક નો વિસ્તાર સંપાદન કરવાની પરિયોજના ચાલી રહી છે, આ પરિયોજનામાં શિયાલી, મોરણ, પડવાણિયા, પડાલ, ડમલાઈ, આમોદ વિગેરે ગામોનો સમાવેશ થાય છે, જીએમડીસી દ્વારા આ સંદર્ભે ડમલાઈ ખાતે આ પ્રોજેક્ટ આવવાના હોય તેનાથી થનારી પર્યાવરણીય અસરો માટે લોક સુનાવણીનું આયોજન થયું હતું, આ લોક સુનાવણીમાં વિસ્થાપિત થનાર ગામડાઓ અને તેના સરપંચો આગેવાનો અને રાજકીય આગેવાનો દ્વારા પ્રચંડ વિરોધ કરવામાં આવ્યો હતો. આ લોક સુનાવણી લગભગ સાત કલાક જેટલા સમય સુધી ચાલી હતી અને લોકોએ કોઈપણ સંજોગોમાં જીએમડીસી દ્વારા અહીં લિગ્નાઇટ પ્રોજેક્ટ નહીં લાવવામાં આવે તેવી ઉગ્ર માંગ કરી હતી. આ વિસ્થાપિત થનારા ગામડાઓમાં રહેતા લોકો ખેડૂતો જીએમડીસી દ્વારા સંપાદન થનાર જમીન બાબતે જાગૃત થાય અને તેમની મહામૂલી જમીન જીએમડીસીને નહીં આપે તેના માટે ભિલીસ્તાન ટાઈગર સેનાના અને માજી ધારાસભ્ય મહેશ વસાવા દ્વારા તા.૧ જુન ૨૫ ના રોજ રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, મહેશ વસાવાએ જણાવ્યું હતું કે ગામડાઓ અને અમારી પ્રજા વિસ્થાપિત નહીં થાય તે માટેની આ અમારી લડાઈ છે, માજી ધારાસભ્ય છોટુ વસાવા એ પણ જમીનદારો સામે અને સરકાર સામે આદિવાસીઓની જળ જંગલ જમીન બચાવવા માટે જીવન પર્યંત વિરોધ કર્યો છે અને અમે પણ આ અમારી બાપ દાદાની મહામૂલી જમીન બચાવવા આખર સુધી લડીશું, જો જમીન સંપાદન કરવામાં આવશે તો પહેલી ગોળી અમારી પર ચલાવી પડશે તેમ તેમણે આક્રોશ પૂર્વક જણાવ્યું હતું, આયોજિત રેલીમાં આદિવાસી સમાજ, ખેડૂતો, એસટી,એસસી, ઓબીસીના લોકોને જોડાવા માટે અપીલ કરી હતી, આ લડત જમીન માટે છે, આવનારી પેઢીના જીવન માટે છે, અને ગામડાઓ બચાવવા માટે છે તેમ તેમને જણાવ્યું હતું, તેમણે અન્ય સંગઠનોને પણ આ રેલીમાં સહકાર આપવા માટે આહવાન કર્યું હતું. ખાસ કરીને નવ યુવાનોને પણ આ રેલીમાં જોડાવા માટે તેમણે જણાવ્યું હતું અને કહ્યું હતું કે આ તમારા ભવિષ્ય માટેની લડાઈ છે, વધુમાં તેમણે જણાવ્યું હતું કે ઝઘડિયા જીઆઇડીસી માં સેકડો વીંઘા જમીન સ્થાનિકોએ ગુમાવી છે તો ૮૦ ટકા ના રેશીયો પ્રમાણે સ્થાનિકોને નોકરી મળતી નથી તે માટે પણ તેઓ મુહીમ ચલાવવાના છે, આખરમાં તેમણે જણાવ્યું હતું કે ૨૦૦૯માં જ્યારે તેમણે ભિલીસ્થાન વિકાસ મોરચા ની રચના કરી હતી ત્યારે અલગ ભીલ પ્રદેશની માંગણી તેમણે કરી હતી, તે સમયે પોલીસે પણ ખોટા કેસો કરી તેમને કનડગત કર્યા હતા, હેરાન કર્યા હતા. પરંતુ ભિલપ્રદેશની માંગણી અમારી આજે પણ યથાવત છે તેમ તેમને જણાવ્યું હતું.
ઈરફાનખત્રી
રાજપારડી