
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ઝોન કક્ષાએ આયોજિત બાળ વૈજ્ઞાનિકમાં પ્રદર્શન ડાંગની આ કૃતિ પોતાનું પ્રતિનિધિત્વ કરશે…
ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરીષદ, ગાંધીનગર, જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન (D.I.E.T) વઘઈ, જિલ્લા શિક્ષણાધિકારીશ્રીની કચેરી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીશ્રીની કચેરી આહવા-ડાંગ પ્રાથમિક અને ઉચ્ચ પ્રાથમિક શાળા કોટબાનાં સંયુકત ઉપક્રમે- “ડાંગ જિલ્લાનું પ૦મું – બાળ વૈજ્ઞાનિક પ્રદર્શન-૨૦૨૫” યોજવામાં આવ્યું હતું.
“વિકસિત અને આત્મનિર્ભર ભારત માટે સ્ટેમ” થિમ અંતર્ગત યોજાયેલ આ બાળ વૈજ્ઞાનિક પ્રદર્શનમાં સંતોકબા ધોળકિયા વિદ્યામંદીર માલેગામ શાળા કક્ષાએથી કુલ-૩ કૃતિઓએ ભાગ લીધો હતો જે પૈકી વિભાગ-૧ (ટકાઉ ખેતી) અંતર્ગત કૃતિ- “પંચામૃત થી સોનામૃત” જિલ્લા કક્ષાએ પ્રથમ ક્રમ મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. આ કૃતિના માર્ગદર્શક શિક્ષકશ્રી શ્રીમતી ખ્યાતિબહેન ઠાકોર તેમજ હેમંતકુમાર ગાંગુડે નો અથાગ પરિશ્રમ સહીત બાળ વૈજ્ઞાનિક તરીકે ચૌધરી પ્રણવભાઈ કે તથા ગાવિત પલકભાઈ પી. એ કૃતિ પ્રત્યેની કુશળતા અને આગવી વાચાના આબેહૂબ દર્શન થકી અવ્વલ ક્રમે આ કૃતિ નોંધાઇ છે.
આ કૃતિનો મુખ્ય હેતુ જમીનની ફળદ્રુપતા, પર્યાવરણ, છોડ તેમજ પ્રાણીઓના સ્વાસ્થ્યની ગુણવત્તા વધારવા માટે, આ સાથે પ્રકૃતિના નિયમમાં રહીને જ કામ કરવાનો છે જેથી જમીનની/ પાકની ફળદ્રુપતા તેમજ ગુણવત્તા સુધારવા માટે જીવામૃત, બીજામૃત તેમજ પ્રાકૃતિક ફૂગનાશક/કીટનાશક દવાઓનો ઉપયોગ કરવામાં આવે તે મુખ્ય ઉદ્દેશ્ય આ કૃતિનો છે.
વિજ્ઞાન ક્ષેત્રે આમૂલ પરિવર્તન લાવી વિદ્યાર્થીઓમાં રહેલ સુષુપ્ત શક્તિને ઉજાગર કરી જાગ્રત કરવા, બાળ વૈજ્ઞાનિકોના રાહબર તેમજ બાળ વૈજ્ઞાનિકો દીર્ઘ દ્રષ્ટિ રાખી નવ નિર્માણમા પોતાનુ સ્થાન મેળવે એવી આશા સહીત ગગનચુંભિ સપના સેવનાર સંસ્થાના આધારસ્તંભ પૂજ્ય પી.પી.સ્વામીજીએ આશીર્વચન આપી બિરદાવ્યા હતા. સાથે જ શાળાના આચાર્યાશ્રી, માર્ગદર્શક શિક્ષકશ્રીઓને તેમજ બાળ વૈજ્ઞાનિક તરીકે ભૂમિકા અદા કરનાર વિદ્યાર્થીઓને અભિવાદન સાથે સન્માનિત કરી પ્રોત્સાહિત કર્યા હતા.




