વલસાડ જિલ્લામાં લેપ્રસી દર્દી શોધ અભિયાન કાર્યક્રમ પૂર્ણ, રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધી કઢાયા

૧૧૪ ચેપી અને ૧૦૦ બિન ચેપી દર્દીઓ પૈકી ૭ બાળ દર્દી પણ મળી આવ્યા, તમામની સારવાર શરૂ કરી દેવાઈ
—-
આશા વર્કર અને એક પુરૂષ વોલન્ટીયર મળી કુલ ૧૭૩૦ જેટલી ટીમો દ્વારા ઘરે ઘરે તપાસ કરવામાં આવી
—-
ઝુંબેશ દરમિયાન જિલ્લામાંથી રકતપિતના કુલ ૧૦૯૫ શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા
—-
સૌથી વધુ ૩૨ ચેપી દર્દી કપરાડામાંથી અને સૌથી વધુ ૩૭ બિનચેપી દર્દી ધરમપુરમાંથી મળી આવ્યા
—-
સંકલનઃ જિજ્ઞેશ સોલંકી
માહિતી બ્યુરોઃ વલસાડ, તા. ૧૫ જુલાઈ
સમાજમાંથી રક્તપિત નાબૂદ કરવાના હકારાત્મક અભિગમ સાથે વલસાડ જિલ્લા પંચાયતની આરોગ્ય શાખાની જિલ્લા રક્તપિત્ત કચેરી દ્વારા કુટુંબ અને દેશને રક્તપિત્તથી મુકત કરવાની દિશામાં સતત ૨૩ દિવસ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન (રક્તપિત દર્દી શોધ અભિયાન) હાથ ધરાયું હતું. જે અંતર્ગત જિલ્લાની પ્રજાના આરોગ્ય માટે સતત કટિબદ્ધ એવા આરોગ્ય ખાતાની ટીમ દ્વારા જિલ્લાના વિવિધ ગામોમાં ઘરે-ઘર જઇ લોકોની તપાસ કરતા રક્તપિત્તના કુલ ૧૦૯૫ શંકાસ્પદ દર્દી મળી આવ્યા હતા.જેમાંથી રક્તપિતના નવા ૨૧૪ દર્દીને શોધી કાઢી તમામની વિનામૂલ્યે સારવાર શરૂ કરી દેવાઈ છે.
‘‘ચાલો રક્તપિત્ત સામે લડીએ અને રક્તપિત્તને ઈતિહાસ બનાવીએ’’ ના નારા સાથે વલસાડ જિલ્લામાં તા. ૧૦ જુન ૨૦૨૪ થી તા. ૨ જલાઇ ૨૦૨૪ સુધી લેપ્રેસી કેસ ડિટેકશન કેમ્પેઈન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં આશા વર્કર અને એક પુરૂષ વોલન્ટીયર મળી કુલ ૧૭૩૦ જેટલી ટીમો બનાવવામાં આવી હતી. તેમના દ્વારા ઘરે ઘરે સર્વે કરી રક્તપિતના લક્ષણો ધરાવતા દર્દીઓને શોધી કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ ઝુંબેશ દરમિયાન જિલ્લામાંથી શંકાસ્પદ રક્તપિતના ૧૦૯૫ દર્દીઓ મળી આવ્યા હતા. જેમાંથી રક્તપિતના નવા કુલ ૨૧૪ દર્દીઓ શોધી કાઢવામાં આવ્યા હતા. જેમાં ૧૧૪ દર્દીઓ ચેપી રક્તપિતના અને ૧૦૦ દર્દીઓ બિનચેપી રક્તપિતના મળી આવ્યા હતા. જ્યારે બાળ દર્દીઓની વાત કરીએ તો, કુલ ૨૧૪માંથી ૪ બિનચેપી અને ૩ ચેપી રક્તપિતના કુલ ૭ બાળ દર્દી મળતા આ તમામની સારવાર શરૂ કરી દેવામાં આવી છે. જિલ્લામાં સૌથી વધુ ૩૨ ચેપી દર્દી કપરાડામાંથી અને સૌથી વધુ ૩૭ બિનચેપી દર્દી ધરમપુરમાંથી મળી આવ્યા હતા. જ્યારે સૌથી ઓછા ૮ ચેપી દર્દી વલસાડ તાલુકામાંથી અને સૌથી ઓછા માત્ર ૩ બિનચેપી દર્દી પારડી તાલુકામાંથી મળી આવ્યા હતા. જેના પરથી જણાઈ છે કે, હવે વલસાડ જિલ્લા રક્તપિત નાબૂદીના પંથે આગળ જઈ રહ્યો છે.
બોક્ષ મેટર
પરંપરાગત ભવાઈના કાર્યક્રમથી લોકોમાં વધુ જનજાગૃતિ કેળવાઈઃ ડો. સંજય કુમાર
જિલ્લા રક્તપિત કચેરીના ડિસ્ટ્રિકટ ન્યૂકિલયસ મેડિકલ ઓફિસર ડો. સંજય કુમારે જણાવ્યું કે, લેપ્રસી ડિટેકશન કેમ્પેઈનની કામગીરીનો શુભારંભ ગામનાં સરપંચશ્રી તેમજ અન્ય આગેવાનો દ્વારા કરવામાં આવતા સમગ્ર અભિયાન દરમ્યાન લોકોનો ખૂબ સાથ સહકાર મળતા આ સારી કામગીરી થઈ શકી છે. આ સિવાય જાહેર સ્થળો એસટી ડેપો તેમજ હટવાડામાં જ્યાં મોટી સંખ્યામાં લોકોની અવરજવર હોય ત્યાં જિલ્લા રક્તપિત્ત અધિકારીશ્રીની કચેરી દ્વારા પરંપરાગત ભવાઈના કાર્યક્રમ દ્વારા સ્થાનિક ભાષામાં જનજાગૃતિ કેળવવામાં આવી હતી. જેને બહોળો પ્રતિસાદ મળ્યો હતો.
બોક્સ મેટર
આ રોગ નિયમિત સારવારથી સંપૂર્ણપણે મટી શકે છેઃ જિલ્લા રક્તપિત અધિકારી
જિલ્લા રક્તપિત અધિકારી ડો.જયશ્રીબેન ચૌધરીએ જણાવ્યું કે, રક્તપિત જંતુજન્ય રોગ છે. જેનું નિદાન અને સારવાર દરેક સરકારી દવાખાનામાં વિનામૂલ્યે કરવામાં આવે છે. જિલ્લામાં હાલ રક્તપિત્તના નવા ૨૧૪ દર્દી શોધવામાં સફળતા મળી છે. જેમની સારવાર શરૂ કરી દેવાઈ છે. આ રોગ સંપૂર્ણપણે મટી શકે છે પરંતુ નિયમિત સારવાર લેવી પડે છે. ચેપી રક્તપિતમાં ૧૨ માસ એટલે એક વર્ષ અને બિનચેપી રક્તપિતમાં ૬ માસની સારવારની જરૂર છે.
બોક્ષ મેટર
જિલ્લામાં તાલુકાવાર રક્તપિત્તના દર્દીઓની સંખ્યા
| તાલુકો | શંકાસ્પદ કેસ | ચેપી દર્દી | બિનચેપી દર્દી |
| ઉમરગામ | ૧૧૮ | ૨૬ | ૧૧ |
| ધરમપુર | ૨૫૯ | ૨૨ | ૩૭ |
| કપરાડા | ૨૩૯ | ૩૨ | ૨૮ |
| વલસાડ | ૨૦૧ | ૮ | ૧૦ |
| પારડી | ૧૫૩ | ૧૩ | ૩ |
| વાપી | ૧૨૫ | ૧૩ | ૧૧ |
| કુલ | ૧૦૯૫ | ૧૧૪ | ૧૦૦ |





