વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
ગુજરાતનાં પ્રખ્યાત લોક સાહિત્ય કલાકાર રાજભા ગઢવી એ લોકડાયરામાં “ડાંગ આહવાનાં જંગલમાં કપડા કાઢીને લૂંટી લે છે” એમ કહેતા વિવાદ સર્જાયો.
ગુજરાત રાજ્યનાં લોકડાયરાનાં જાણીતા કલાકાર રાજભા ગઢવી દ્વારા એક લોક ડાયરામાં કહેવામાં આવ્યુ હતુ કે,”ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં કપડા કાઢીને લૂંટી લે છે.” ત્યારે આદી અનાદી કાળથી મોભાભેર જીવન જીવતી ડાંગ જિલ્લાની ભલી ભોળી આદિવાસી પ્રજા બહારથી આવતા લોકોને કઈ રીતે લૂંટી શકે તેવા સવાલ સાથે લોકો દ્વારા વિરોધ નોંધવામાં આવી રહ્યો છે.તેમજ આ મામલે રાજભા ગઢવી સામે પોલીસ ફરિયાદની માંગ સાથે સામાજીક આગેવાન સ્નેહલ ઠાકરે પોલીસ અધિક્ષકને સંબોધીને આહવા પોલીસ મથકમાં અરજી આપી છે.ગુજરાત રાજ્યનાં જાણીતા લોકસાહિત્ય કલાકાર રાજભા ગઢવીનો એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયુવેગે વાયરલ થઈ રહ્યો છે.જે વીડિયોમાં આદિવાસી સમાજનું અપમાન કરવામાં આવેલ હોય અને ભારત દેશ ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, બિહાર અને ગુજરાતના ખાસ કરીને ડાંગ જિલ્લાનાં આહવાનાં જંગલોમાં રાત્રે ન જતા જંગલી, લૂંટારાઓએ કેટલાયને લીધા અને કપડા કાઢી લીધા છે જેવા શબ્દોનો લોક ડાયરામાં જાહેર મંચ પર ઉપયોગ કર્યો હતો.જેને લઈને ડાંગ જિલ્લાવાસીઓમાં રોષની લાગણી જોવા મળી રહી છે.સોશિયલ મીડિયામાં રાજભા ગઢવી નો જે વિડીયો વાયરલ થયો છે તેમાં તેમણે કહ્યું હતું કે, “ડાંગ આહવાના જંગલમાં કપડા કાઢીને લૂંટી લે છે.” વિડીયો વાયરલ થતાં સોશિયલ મીડિયામાં પણ આદિવાસી લોકોએ ફિટકાર વરસાવી હતી. અને સોશિયલ મીડિયામાં લોકોએ કહ્યું હતું કે,”ડાંગ જિલ્લામાં મોટેભાગે આદિવાસી પ્રજા વસવાટ કરે છે અને ગામડાની આ ભલી ભોળી પ્રજા લોકોને કઈ રીતે લૂંટી શકે. જો ડાંગ જિલ્લામાં આ રીતે લૂંટ થતી હોય તો તો ગુજરાત તથા રાજ્ય બહારના પ્રવાસીઓ અહીં પ્રવાસનાં અર્થે આવતા ન હોય.” આવા અનેક સવાલ સાથે સોશિયલ મીડિયામાં લોકો પોતાનો રોષ હલાવતા જોવા મળ્યા હતા.
આ સમગ્ર મામલાને લઈને ડાંગ જિલ્લાનાં સામાજીક આગેવાન સ્નેહલ ઠાકરે એ ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક તથા આહવા પોલીસ ઇન્સ્પેક્ટરને લેખિતમાં રજૂઆત કરી હતી જેમાં જણાવ્યા અનુસાર, લોક ડાયરાનાં જાહેર મંચ ઉપર આ પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવેલ છે જે ડાંગના આદિવાસી સમાજ માટે આ શબ્દ કલંક રૂપ સમાન છે.આ બાબતે ડાંગ જિલ્લાના આદિવાસી સમાજને જાહેરમાં બદનામ કરવાનું કૃત્ય કરેલ છે.અને આદિવાસી સમાજને બદનામ કરવાનું કાવતરું કરવામાં આવેલ છે.જેવા શબ્દોનો પ્રયોગ કરેલ જેથી આ મામલે તાત્કાલિક ધોરણે રાજભા ગઢવી સામે એટ્રોસિટી એક્ટ હેઠળ એફઆઇઆર નોંધવામાં આવે.ત્યારે અહીં ડાંગ જિલ્લામાં રાજભા ગઢવીને લઈને ડાંગ જિલ્લાવાસીઓમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે. તેમજ રાજભા ગઢવી વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધવામાં આવે તેવી લોકમાંગ પણ ઉઠવા પામી છે.વધુમાં આ સામાજીક આગેવાનોએ જણાવ્યુ છે કે જો ટૂંક સમયમાં રાજભા ગઢવી સામે એફ.આઈ.આર.નોંધવામાં ન આવે તો આપણી કચેરીનો ઘેરાવો કરી ધરણા પ્રદર્શન અને વિરોધ પ્રદર્શન કરવામાં આવશે જેની સંપૂર્ણ જવાબદારી આપણી રહેશેની ચીમકી ઉચ્ચારતા ખળભળાટ મચી જવા પામ્યો છે.ત્યારે આ બાબતે તંત્ર કેવા પગલા ભરશે તે સમય જ બતાવશે.આ બાબતે ડાંગ જિલ્લા આમ આદમી પાર્ટીનાં નેતા સુનિલભાઈ ગામીતે પ્રતિક્રિયા આપતા જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનાં લોકો રાત્રિ દરમિયાન લોકોને લૂંટે છે ને કપડા પણ રહેવા દેતા નથી એવી વિવાદાસ્પદ ટિપ્પણી રાજભા ગઢવી દ્વારા કરવામાં આવેલ છે.જેના કારણે આદિવાસી સમાજની લાગણી દુભાઈ છે.ત્યારે આ ટિપ્પણીને લઈને રાજભા ગઢવી દ્વારા તાત્કાલિક ધોરણે ખુલાસો આપવામાં આવે નહી તો આવનાર દિવસોમાં આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે જેની નોંધ લેશો.જ્યારે ડાંગ જિલ્લાનાં પાંચ રાજવી પૈકીનાં વાસુર્ણા સ્ટેટનાં રાજા ધનરાજસિંહ સૂર્યવંશીએ પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતુ કે સાહિત્ય કલાકાર રાજભા ગઢવી દ્વારા ડાંગના લોકો વિશે ટિપ્પણી કરવામાં આવેલ છે.ત્યારે ડાંગ જિલ્લામાં મોટી સંખ્યામાં પ્રવાસીઓ આવતા હોય છે અને આનંદ માણતા હોય છે.તેમ છતાં આદિવાસી સમાજને લાંછન લાગે તેવી ટિપ્પણી કરવામાં આવેલ છે.ભગવાન રામે પણ દંડકારણ્ય ડાંગ જિલ્લાનાં શબરીધામ ખાતે આવી પાવન પગલા પાડી શબરી માતાને દર્શન આપ્યા હતા.ભગવાન રામનાં પગલાથી પાવન બનેલી ભૂમિ પર ડાંગનો આદિવાસી સમાજ વસવાટ કરે છે.જેથી અમારો આદિવાસી સમાજ ઉચ્ચ વર્ણમાંથી આવે છે.તેવામાં અહીંની ભલી ભોળી આદિવાસી પ્રજા કઈ રીતે લોકોને લૂંટી શકે છે.આ પ્રકારની ટિપ્પણીના કારણે પ્રવાસીઓ પણ અસમંજસમાં મુકાય તેમ છે અને પ્રવાસીઓ અહીં આવવા માટે ટાળે તેમ છે.ત્યારે આ રાજભા ગઢવીને ચેલેન્જ છે કે,આ મામલે માફી માંગવામાં આવે નહીં તો આદિવાસી સમાજ દ્વારા વિરોધ નોંધાવવામાં આવશે અને આવેદનપત્ર આપી આનું નિરાકરણ કરવામાં આવશે..