
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ-ડાંગ
*મુખ્યમંત્રીએ શ્રદ્ધાપૂર્વક શબરી ધામ ખાતે શ્રીરામ, લક્ષ્મણજી અને શબરી માતાના દર્શન કરી પુજા આરતી કરીઃ*
*મુખ્યમંત્રીએ શબરી ધામમાં પૂજા કરીને આદિજાતિ સમાજ સાથે એકતાનું પ્રતિક મજબૂત કર્યુઃ*

Dang: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે ડાંગ જિલ્લાના પ્રખ્યાત આસ્થા કેન્દ્ર, “શબરી ધામ”ની મુલાકાત લઈને પૂજા અર્ચના કરી.
આ પવિત્ર યાત્રાધામ આદિજાતિ સમાજ માટે વિશેષ મહત્વ ધરાવતું સ્થળ છે, જ્યાં ભગવાન શ્રીરામ, લક્ષ્મણજી અને માતા શબરીના મંત્રમુગ્ધ કરનાર દર્શન થયાં હતા. આ પ્રસંગે આશ્રમ શાળાની બાળાઓએ મુખ્યમંત્રીશ્રીને કુમ કુમ તિલક કરી સ્વાગત કરી ઉલ્લાસભેર આવકારાયા હતા.
આ અવસરે મુખ્યમંત્રીશ્રીએ શ્રદ્ધાપૂર્વક શ્રીરામ, લક્ષ્મણજી અને શબરી માતાના દર્શન કરી પુજા અર્ચના કરી હતી. ઉપરાંત ભગવાન બિરસા મુંડા અને આદિજાતિ દેવી દેવતાઓની પણ પૂજા-આરતી કરી હતી.
મુખ્યમંત્રીએ પ્રાચીન મરાઠા શૈલીમાં નિર્મિત શબરી ધામના મંદિર પરિસરમાં પ્રવેશ કરીને માતા શબરીજી તથા ભગવાન શ્રીરામના ચરિત્ર અને આસ્થાનું મૂર્તિમંત સ્વરૂપ જાણવું મહત્વપૂર્ણ માન્યું. માતા શબરીની કૃપા અને સમર્પણની આ જગ્યા માટે રાજ્ય સરકારે યાત્રાધામના વિકાસ માટે વિશેષ પ્રયાસો હાથ ધર્યા છે.
આ અવસરે મુખ્યમંત્રીએ કહ્યું કે, “શબરી ધામ માત્ર યાત્રાધામ નથી, પરંતુ આસ્થાનું મૂર્ત સ્વરૂપ છે. આ સ્થળ પર માતા શબરી અને ભગવાન રામની પ્રાચીન કથા આજે પણ જીવંત છે અને સમાજને પરોપકાર અને પવિત્રતાની પ્રેરણા આપે છે.”
શબરી ધામના વિકાસ માટે રાજ્ય સરકાર દ્વારા વિવિધ પ્રોજેક્ટો હાથ ધરવામાં આવ્યાં છે, જેમાં યુવાનો અને પ્રવાસીઓને આકર્ષિત કરવા માટે આધુનિક સુવિધાઓ અને પર્યટન વિકાસની યોજનાઓનો સમાવેશ થાય છે. મુખ્યમંત્રીએ યાત્રાધામના આધુનિકીકરણ અને સુવિધાઓમાં વધારો કરવા માટે વિસ્તૃત યોજના બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે.
શબરી ધામની આ મહત્વપૂર્ણ મુલાકાતે મુખ્યમંત્રીએ સમાજના આગેવાનો અને આદિજાતિ સમાજના પ્રતિનિધિઓ અને મંદિરના ટ્રસ્ટીઓ સાથે ચર્ચા કરી અને સામાજિક તથા આધ્યાત્મિક એકતાને મજબૂત બનાવવા માટે સહકાર અને વિકાસ માટેની દિશામાં નિશ્ચિત પ્રયાસોનો સંકલ્પ વ્યક્ત કર્યો હતો.
અંતે શ્રી શબરીમાતા સેવા સમિતિ, શબરીધામના ટ્રસ્ટીઓ દ્વારા આયોધ્યાથી શ્વેત રંગની રામજીની પ્રતિમા લાવી પ્રસ્થાપતિ કરવામાં આવાની છે, જેની ચર્ચા મુખ્યમંત્રીશ્રી સાથે કરી હતી.
આ અવસરે આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ મંત્રીશ્રી ડો.કુબેરભાઇ ડીંડોર, લોકસભાના દંડક શ્રી ધવલભાઇ પટેલ, વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, સ્વામી અસિમાનંદજી સહિત શબરીમાતા સેવા સમિતિના ટ્રસ્ટીગણ ઉપસ્થિત રહ્યાં હતા.






