AHAVADANG

સાપુતારા પોલીસની ટીમે મહારાષ્ટ્રથી કચ્છ જતો દારૂ ભરેલ ટેમ્પા ઝડપી 9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અને પ્રોહિબિશનના ગુનાઓ નાબૂદ કરવા માટે પોલીસ તંત્ર એક્શન મોડમાં જોવા મળી રહ્યું છે.ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવનાં માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ દ્વારા સરહદીય ચેકપોસ્ટ પર સુરક્ષા વ્યવસ્થા સઘન બનાવવામાં આવી છે.આ દરમિયાન ૧૦ ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ વહેલી સવારે ૬:૦૦ વાગ્યાના અરસામાં, સાપુતારા પોલીસ ચેકપોસ્ટ પર ફરજ બજાવતા પોલીસ સબ ઇન્સ્પેક્ટર બી.બી. પટેલ, એ.એસ.આઈ. સંજયભાઈ ભોયે,અને તેમની ટીમ દ્વારા વાહન ચેકિંગની કામગીરી ચાલી રહી હતી.આ સમયે મહારાષ્ટ્ર તરફથી ગુજરાતમાં પ્રવેશતા એક સફેદ રંગના અશોક લેલેન્ડ ટેમ્પો (રજીસ્ટ્રેશન નંબર GJ-01-JT-5880) ને શંકાના આધારે અટકાવવામાં આવ્યો હતો.સાપુતારા પોલીસની ટીમે જ્યારે ટેમ્પોની પ્રાથમિક તપાસ કરી ત્યારે તેમાં કંઈ અજુગતુ જણાયું નહોતું, પરંતુ ઝીણવટભરી તપાસ કરતા માલુમ પડ્યું કે ટેમ્પોની પાછળના બોડીના ભાગમાં ઉપર અને નીચે એમ બંને તરફ અત્યંત ચાલાકીપૂર્વક ‘ચોર ખાના’ (ગુપ્ત ખાના) બનાવવામાં આવ્યા હતા.આ ખાનાઓ ખોલીને જોતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી,કારણ કે તેમાં ભારતીય બનાવટના ઇંગ્લિશ દારૂની વ્હિસ્કીની બોટલો અને પ્લાસ્ટિકના ક્વાર્ટરનો મોટો જથ્થો છુપાવવામાં આવ્યો હતો. પોલીસે ઘટનાસ્થળેથી કુલ ૩૪૩૨ નંગ બોટલો (૬૩૧.૪૪ લિટર) જપ્ત કરી હતી, જેની બજાર કિંમત આશરે ₹૫,૪૧,૬૮૦ જેટલી થાય છે.આ ઉપરાંત ₹૩.૫૦ લાખનો ટેમ્પો, ₹૧૫,૦૦૦ની રોકડ અને મોબાઈલ ફોન મળી કુલ ₹૯,૧૭,૬૮૦ નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો હતો.આ ગુનામાં પોલીસે ટેમ્પો ચાલક હિતેશભાઈ ભીમજીભાઈ બાંભણિયા (ઉંમર વર્ષ ૩૨, રહે. મુંબઈ, મૂળ રહે. પ્રાગપરા, તા. રાપર, જિ. કચ્છ) ને રંગેહાથ ઝડપી પાડ્યો હતો.આરોપીની પૂછપરછ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો હતો કે, આ દારૂનો જથ્થો મહારાષ્ટ્રના ચેમ્બુર ખાતે રહેતા પ્રદીપ ચૌધરી નામના શખ્સે ભરાવી આપ્યો હતો અને તેને કચ્છના રાપર સુધી પહોંચાડવાનો હતો. હાલમાં સાપુતારા પોલીસે પકડાયેલા આરોપી અને માલ મોકલનાર વોન્ટેડ આરોપી વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી આગળની તપાસ તેજ કરી છે. આ સફળ કામગીરીમાં પોલીસની સતર્કતાને કારણે આંતરરાજ્ય દારૂની હેરાફેરીનું મોટું નેટવર્ક ખુલ્લું પડ્યું છે..

Back to top button
error: Content is protected !!