નવસારી જિલ્લાના સર્વાંગી વિકાસ માટે પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ રૂ. ૮૬૭ લાખથી વધુના કુલ ૩૫૨ કામો મંજૂર કર્યા
જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લા આયોજન મંડળની બેઠક યોજાઈ

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
આજે કલેક્ટર કચેરી ખાતે નવસારી જિલ્લાના પ્રભારી મંત્રી શ્રી અને રાજ્યના નાણા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈના અધ્યક્ષ સ્થાને જિલ્લામાં વર્ષ 2025-26 ના આયોજનની મંજૂરી અંગેની બેઠક મળી હતી. જેમાં વિકેન્દ્રીત જિલ્લા આયોજન હેઠળની વિવેકાધીન જોગવાઈ હેઠળ રૂ. ૮૬૭.૫૦ લાખથી વધુના કુલ ૩૫૨ વિકાસ કામોના આયોજનને સર્વાનુમતે મંજૂરી આપવામાં આવી હતી.
આ બેઠકમાં મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર સર્વે વિસ્તારોના સર્વાંગી વિકાસ માટે પ્રતિબદ્ધ છે અને દરેક વિકાસકામ સમયમર્યાદામાં ગુણવત્તાસભર થાય તે ખૂબ જ આવશ્યક છે. જે અનુસંધાને પદાધિકારી-અધિકારીઓ અને વિવિધ વિભાગો વચ્ચે પરસ્પર સંકલન જાળવી કામ કરવું ખૂબ જ જરૂરી છે. વધુમાં સંસદસભ્યની ગ્રાન્ટ સંબંધિત કાર્યો વહેલી તકે પૂર્ણ કરવાનું સૂચન કર્યું હતું.
આ સાથે જ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે મંજૂર થયેલા કામોને ઝડપથી હાથ ધરી નિયત સમયાવધિમાં પૂર્ણ કરવા જિલ્લા પ્રભારી મંત્રી શ્રી કનુભાઈ દેસાઈએ તાકીદ કરી હતી. તેમણે જિલ્લામાં પ્રજાલક્ષી કર્યોને મહત્તમ રીતે આવરી લેવાની સાથે સામૂહિક વિકાસના કામોને અગ્રતા આપવાની હિમાયત કરી હતી. આ સાથે જ મંત્રીશ્રીએ પ્રગતિ હેઠળના તમામ કાર્યોને ઝડપભેર પૂર્ણ કરવાની તાકીદ પણ કરી હતી.
આ બેઠકમાં ગણદેવીના ધારાસભ્યશ્રી નરેશભાઈ પટેલ અને નવસારીના ધારાસભ્યશ્રી રાકેશભાઈ દેસાઈ તરફથી અધિકારીઓને રચનાત્મક સૂચનો સહ રજૂઆત કરવામાં આવી હતી. બેઠકના અંતમાં જિલ્લા કલેક્ટર શ્રી ક્ષિપ્રા આગ્રેએ મંજૂર થયેલા વિકાસકામો થકી જનસુખાકારી વધારવાના પ્રયાસોને મૂર્તિમંત કરવા માટે ટીમ નવસારી વતી પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
આ બેઠકમાં વલસાડ લોકસભા વિસ્તારના સાસંદ શ્રી ધવલ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી પરેશભાઈ દેસાઈ, તમામ તાલુકા પંચાયતના પ્રમુખશ્રીઓ, અમલીકરણ અધિકારીશ્રીઓ, જિલ્લા-તાલુકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.





