
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
રાજ્યનાં છેવાડે આવેલ ડાંગ જિલ્લામાં ચોમાસાની ઋતુનો આરંભ થઈ ચૂક્યો છે.ડાંગ જિલ્લામાં મે મહિનાથી જ ચોમાસુ બેસુ જતા સૂકાભઠ જંગલો લીલાછમ બની મહેકી ઉઠયા છે.ડાંગ જિલ્લામાં અણધાર્યા વરસાદનાં પગલે કુદરતી સૌંદર્ય પણ સોળે કળાએ ખીલી ઉઠ્યુ છે.તો બીજી તરફ ડાંગી ખેડૂતોનાં હાલ થઈ ગયા છે.ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી વરસાદી માહોલ જામ્યો છે.ગિરિમથક સાપુતારા,શામગહાન,ગલકુંડ, બોરખલ, આહવા,ચિંચલી, સુબિર, ગારખડી, વઘઇ,ભેંસકાતરી,ઝાવડા,બરડીપાડા,કાલીબેલ,પીંપરી સહીત પૂર્વપટ્ટી અને સરહદીય પંથકોમાં સોમવારે રાત્રીનાં અરસામાં તથા મંગળવારે દિવસ દરમ્યાન ધીમાધારનો વરસાદ પડ્યો હતો.ડાંગ જિલ્લામાં છેલ્લા પાંચેક દિવસથી પડી રહેલા વરસાદનાં પગલે શાંત લોકમાતાઓમાં ફરી ડહોળા નીર આવ્યા છે.ડાંગની અંબિકા,પૂર્ણા, ખાપરી અને ગીરા નદીનાં ઉપરવાસનાં ભાગો પાણીની છલોછલ ભરાઈ જતા દ્રશ્યો બેનમૂન બન્યા છે.ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા સહીત તળેટીવિસ્તારમાં વરસાદી માહોલ બાદ ગાઢ ધુમ્મસિયા વાતાવરણની સફેદ ચાદર ઓઢાઈ રહેતા સમયાંતરે વિઝીબીલીટી ઘટી હતી.સાપુતારા ખાતે વરસાદી માહોલની સાથે ધુમ્મસીયા વાતાવરણ અને શીતળતાનો ત્રિવેણી સંગમ રચાતા ફરવા આવેલ પ્રવાસીઓનો ઉન્માદ બેવડાયો હતો..





