AHAVADANG

તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ અંતર્ગત ખોવાયેલા મોબાઇલ ફોન અને સાયબર ફ્રોડમાં ગયેલી રકમ પરત અપાઈ..

વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ

ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ તથા નાયબ પોલીસ અધિક્ષકોમાં જે.એસ. સરવૈયા અને જનેશ્વર નલવૈયાનાં માર્ગદર્શન હેઠળ ડાંગ જિલ્લાની પોલીસની ટીમ દ્વારા ‘તેરા તુજકો અર્પણ’ કાર્યક્રમ હેઠળ ખોવાયેલા અને સાયબર ફ્રોડમાં ગયેલા લાખો રૂપિયાના મુદ્દામાલને તેના મૂળ માલિકોને પરત આપીને પ્રશંસનીય કામગીરી કરી છે.આ કાર્યક્રમ અંતર્ગત પોલીસે ₹૨,૨૨,૯૯૮ની કિંમતના ૧૫ મોબાઇલ ફોન અને સાયબર ફ્રોડમાં ગયેલા ₹૧,૮૭,૮૫૬ પરત અપાવ્યા હતા.આહવા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનના પી.આઈ આર.એસ.પટેલ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર કે.જે. નિરંજનના નેતૃત્વ હેઠળની ટીમોએ આ સફળતા હાંસલ કરી છે.પોલીસને ડાંગ જિલ્લાના વઘઈ, આહવા, સાપુતારા અને સુબીર પોલીસ સ્ટેશન વિસ્તારોમાં મોબાઈલ ગુમ થયા હોવાની અરજીઓ મળી હતી.પોલીસે આ અરજીઓના આધારે CELR (Central Equipment Identity Register) પોર્ટલનો ઉપયોગ કરીને ગુમ થયેલા મોબાઈલ ફોનને ટ્રેસ કર્યા હતા. ત્યારબાદ, પોલીસ સ્ટેશનના બીટ ઇન્ચાર્જ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચના ટેકનિકલ સ્ટાફે સંકલન સાધીને માનવ અને ટેકનિકલ સ્રોતોનો ઉપયોગ કરીને ૧૫ ખોવાયેલા મોબાઇલ ફોન શોધી કાઢ્યા હતા, જેની કિંમત ₹૨,૨૨,૯૯૮/- છે. આ તમામ મોબાઈલ ફોન તેમના માલિકોને પરત કરવામાં આવ્યા હતા.આ ઉપરાંત, સાયબર ક્રાઇમનો ભોગ બનેલા નાગરિકોએ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, આહવા ખાતે અરજીઓ કરી હતી. પોલીસે આ અરજીઓની તપાસ કરીને સાયબર ફ્રોડમાં ગયેલી કુલ ₹૧,૮૭,૮૫૬ની રકમ પણ પરત અપાવી હતી.ડાંગ જિલ્લા પોલીસની આ સરાહનીય કામગીરીને અરજદારોએ બિરદાવી હતી અને ડાંગ જિલ્લા પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો. આ ઘટના ડાંગ પોલીસની નાગરિકોની સેવા અને સુરક્ષા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે..

Back to top button
error: Content is protected !!