
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકાનાં ચીંચલી ગામ ખાતે વન અધિકાર કાયદો ૨૦૦૬ હેઠળ મળેલ જમીનમાં ડેમ બનાવવામાં આવેલ છે.અને તેના કારણે એક એકર જેટલી જમીન ડેમના ડુબાણ અને બાંધકામમાં સંપાદિત થયેલ છે.ત્યારે આનું વળતર ચૂકવવામાં આવે તેવી માંગ સાથે ડાંગ જિલ્લા કલેકટરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે.ડાંગ જિલ્લાના આહવા તાલુકાના ચિંચલી ગામ ખાતે રહેતા બાબુરાવભાઈ દામુભાઈ પીંપળેએ વન અધિકાર કાયદો-૨૦૦૬ અન્વયે ચિંચલી ગામે આવેલ સર્વે નંબર-૪૨ વાળી જમીનમાં દાવા અરજી કરેલ હતી.અને તે મંજૂર કરી બાબુરાવભાઈને ૨ હે.આરે.ચોમી જેટલી જમીનની ફાળવણી કરી,તા.૨૫/૬/૨૦૧૫ નાં રોજ આદેશપત્ર આપવામાં આવેલ હતુ.જેમાં ગત વર્ષે નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અમલીકરણ એજન્સી કાર્યપાલક ઈજનેર વેર ટુ યોજના વિભાગ, વ્યારા (તાપી) દ્વારા મોટા કદનો હાઈડ્રોલિક ચેકડેમ બનાવવામાં આવેલ છે. અને તેમાં બાબુરાવભાઈની એક એકર જેટલી જમીન ડૂબાણ અને ડેમના બાંધકામમાં ગયેલ છે.આ બાબતે અમો અરજદાર બાબુરાવભાઈએ તા. ૬/૩/૨૦૨૪ ના રોજ કલેકટર કક્ષાએ અરજી કરી બાંધકામ અટકાવવા બાબતે રજૂઆત કરેલ હતી.પરંતુ કલેકટર કક્ષાએથી આજ દિન સુધી કોઈપણ પ્રત્યુત્તર મળેલ નથી.અને જેના કારણે ગરીબ આદિવાસીને મળેલ જમીનમાંથી એક એકરથી વધુ જમીન હાથમાંથી છીનવાઈ ગયેલ છે.આ ઉપરાંત તે જમીન પરના ઝાડોનું કટીંગ કરી નાંખવામાં આવેલ છે.અને બાબુરામભાઈની લાગુ જમીન જે હાલે બચેલી છે તે પણ હવે ધોવાણમાં જાય તેમ છે.ત્યારે બાબુરાવભાઈને જમીનનું વન અધિકાર કાયદો ૨૦૦૬ અને તેના સુધારેલ નિયમો-૨૦૧૨ મુજબ જમીનના બદલામાં જમીનનું વળતર આપવામાં આવે અને ડેમના કારણે જે જમીન હજી પણ ધોવાણમાં જનાર છે,તે માટે જરૂરી સંરક્ષણ દિવાલ તાત્કાલિક ધોરણે બનાવી આપવામાં આવે માંગણી સાથે જિલ્લા કલેકટરને રજૂઆત કરવામાં આવેલ છે.તેમજ આ અરજી ધ્યાને લઈ તેના પર દિન-૩૦ માં હકારાત્મક કાર્યવાહી કરી ન્યાય આપવામાં નહીં આવે તો નાછૂટકે કોર્ટનો સહારો લેવાની ફરજ પડશે એવી ચીમકી ઉચ્ચારવામાં આવી રહી છે..



