
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ભક્તિ અને કુદરતના સંયોજનરૂપે વઘઈ માતાજીના મંદિર પરિસરમાં આજ રોજ ભગવાન શ્રીકૃષ્ણના લીલા શાકભાજીથી શણગારેલા હિંડોળાની ભાવભીની ઉજવણી કરવામાં આવી.
કૃષ્ણ જન્મોત્સવના પર્વના પૂર્વસંદર્ભે ભક્તિભેર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કાનાને અદભૂત રીતે લીલા શાકભાજી – રીંગણ, દૂધી, ટમેટા, કાકડી, કોબી, ગાજર, વટાણા, મિર્ચી અને અન્ય તાજા શાકભાજી વડે હિંડોળાને શોભાવ્યા હતા. સાથે સુગંધિત ફૂલો અને લીલાં પાંદડાઓની શોભાથી મંડપને શણગારવામાં આવ્યો હતો,જે ભક્તોને કૃષ્ણભક્તિના ભાવસાગરમાં તરબોળ કરી દીધા હતા
હિંડોળા નીચે ઘાસચરતી ગાયો, વાછરડા અને રથનું દૃશ્ય કૃષ્ણના ગોકુલ સંસ્મરણોને જીવંત બનાવતું હતુ. સમગ્ર વાતાવરણ શ્રદ્ધા, સુંદરતા અને સૌમ્યતાથી ભરેલું હતું. કાર્યક્રમમાં ગામના ભક્તોએ મોટી સંખ્યામાં હાજરી આપી અને માતાજીના આશીર્વાદ સાથે કાનાના હિંડોળાના દર્શન લીધા હતા. બહેનો અને યુવાનો દ્વારા હિંડોળાની તૈયારીમાં ખૂબ જ ઉત્સાહપૂર્વક સહભાગીતા નોંધાઈ હતી.મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવાયું કે, “આવો હિંડોળો માત્ર ધાર્મિક ઉદ્દેશ સાથે નહીં પણ કુદરત પ્રત્યેની કૃતજ્ઞતા અને પરંપરાગત કૃષિપ્રેમના સંદેશ સાથે ઉજવાયો છે.” ઉલ્લેખનીય છે કે હિંડોળા ઉત્સવ તા. ૧૨ જુલાઈ ૨૦૨૫થી ૧૦ ઑગસ્ટ ૨૦૨૫ સુધી ચાલી રહ્યો છે, જ્યાં દરરોજ વિવિધ શૈલીમાં હિંડોળા શણગારી, ભક્તિભાવથી તેમની ઉજવણી થાય છે.




