
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
એક તરફ સરકાર ‘ભણશે ગુજરાત, આગળ વધે ગુજરાત’નાં મંત્ર સાથે શિક્ષણ પાછળ કરોડો રૂપિયાના બજેટ ફાળવે છે,ત્યારે બીજી તરફ ડાંગના અંતરિયાળ વિસ્તારોમાં બાળકોને પાયાની સુવિધાઓ માટે વલખા મારવા પડી રહ્યા છે.ડાંગ જિલ્લાનાં વઘઇ તાલુકાના ડોકપાતળ ગામે પ્રાથમિક શિક્ષણની જે તસવીરો સામે આવી છે તે શિક્ષણ વિભાગની ઘોર બેદરકારી અને તંત્રની ઉદાસીનતા સ્પષ્ટપણે બતાવી રહી છે.ડોકપાતળ ગામે ધોરણ 1 થી 8 ની નવી પ્રાથમિક શાળાનું નિર્માણ કાર્ય હાલ પ્રગતિમાં છે.અહી વિકાસના કામો જરૂરી છે, પરંતુ જૂની શાળા તોડી પાડ્યા બાદ ત્યાં અભ્યાસ કરતા 135 આદિવાસી બાળકો ક્યાં બેસશે, તેનો વિચાર વઘઇ તાલુકાનાં શિક્ષણ વિભાગ દ્વારા કરવામાં આવ્યો નથી. છેલ્લા ઘણા સમયથી આ માસૂમ બાળકો કકડતી ઠંડી અને ધૂળની ડમરીઓ વચ્ચે ઝાડની છાયામાં નીચે જમીન પર બેસીને અક્ષરજ્ઞાન મેળવવા મજબૂર બન્યા છે.શાળાના મેદાનમાં વચ્ચે ગ્રીન નેટ પાથરી બાળકો બેસે છે. અહીં ન તો પીવા માટે શુદ્ધ પાણીની વ્યવસ્થા છે, ન તો શૌચાલયની સુવિધા. દીકરીઓના શિક્ષણની વાતો કરતી સરકારના આ વિસ્તારમાં બાળાઓને શૌચાલય જેવી પાયાની જરૂરિયાત માટે પણ ભારે હાલાકી ભોગવવી પડી રહી છે.હાલ શિયાળાની ઋતુ તેના પરાકાષ્ઠાએ છે. ડાંગ જેવા પહાડી વિસ્તારમાં સવારના સમયે તાપમાન અત્યંત નીચું હોય છે. આવી ઠંડીમાં ખુલ્લા આકાશ નીચે બેસવાથી બાળકોના આરોગ્ય પર ગંભીર અસર થવાની ભીતિ સેવાઈ રહી છે. વાલીઓ ચિંતિત છે કે જો આ પરિસ્થિતિ લાંબો સમય ચાલશે, તો બાળકો ન્યુમોનિયા કે અન્ય બીમારીઓનો શિકાર બની શકે છે. વધુમાં, ધૂળ અને પવનને કારણે શિક્ષણ કાર્યમાં સતત વિક્ષેપ પડે છે, જેથી બાળકોની એકાગ્રતા પણ જોખમાઈ રહી છે.સ્થાનિક ગ્રામજનો અને વાલીઓએ વઘઇ તાલુકાનાં ટી.પી.ઈ. ઓ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, “શાળાનું નવું મકાન બનવાનું હોય ત્યારે અગાઉથી જ કોઈ ખાનગી મકાન ભાડે રાખવું જોઈતુ હતું અથવા અસ્થાયી શેડ બનાવવો જોઈતો હતો.વઘઇ તાલુકાનાં પ્રાથમિક શિક્ષણ અધિકારી અને શાળાનાં મુખ્ય શિક્ષકની આળસને કારણે આજે અમારા બાળકો અમાનવીય સ્થિતિમાં ભણી રહ્યા છે.” વાલીઓને ડર છે કે સુવિધાના અભાવે બાળકો શાળાએ જવાનું છોડી દેશે, જે આદિવાસી વિસ્તારમાં ડ્રોપ-આઉટ રેશિયો વધારી શકે છે.શિક્ષકો પણ લાચાર છે. પૂરતા બ્લેકબોર્ડ, બેસવા માટે પાટલી કે પંખા જેવી લક્ઝરી તો દૂરની વાત છે, પણ માથે છત પણ ન હોવા છતાં તેઓ મર્યાદિત સાધનો સાથે શિક્ષણનો દીવો પ્રજ્વલિત રાખવા મથામણ કરી રહ્યા છે.ગુજરાત સરકાર શિક્ષણને ‘સર્વોચ્ચ પ્રાથમિકતા’ ગણાવે છે, પરંતુ વઘઇ તાલુકાનાં ડોકપાતળની આ દુર્દશા તંત્રની કાર્યક્ષમતા પર અનેક પ્રશ્નો ઊભા કરે છે. હવે જોવું એ રહ્યું કે વઘઇનું શિક્ષણ વિભાગ કુંભકર્ણની નિદ્રામાંથી ક્યારે જાગે છે અને ડોકપાતળના આ 135 બાળકોને ક્યારે સન્માનજનક શૈક્ષણિક વાતાવરણ પૂરું પાડવામાં આવે છે.બોક્ષ:-(1)આ બાબતે ડાંગ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી વિજયભાઈ દેશમુખે જણાવ્યુ હતુ કે વઘઇ તાલુકાની ડોકપાતળ શાળાનું મકાન નિર્માણાધીન હેઠળ છે.જેમાં શાળાનાં ઓરડા તોડતા પહેલા બાળકો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવાની જવાબદારી જે તે શાળાનાં મુખ્ય શિક્ષક અને એસએમસીની હોય છે.જો વૈકલ્પિક વ્યવસ્થા ન હોય તો શાળાનાં ઓરડા તોડવાની મંજૂરી અમો જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગમાંથી આપતા નથી.જેથી બાળકોનાં સુરક્ષા સાથે ચેડા કરનાર જવાબદાર મુખ્ય શિક્ષક સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે..





