ભરૂચમાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રીજ નીચેથી દારૂ ભરેલી કાર સાથે બે વ્યક્તિઓને પોલીસે ઝડપી લીધા, એકને વોન્ટેડ જાહેર કર્યો

સમીર પટેલ, ભરૂચ
ભરૂચથી આમોદ જતા રોડ ઉપર નવનિર્મિત અમદાવાદ મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રિજ નીચેથી વિદેશી દારૂ ભરેલી કાર સાથે બે આરોપીઓને LCB પોલીસે ઝડપી પાડ્યા હતા. પોલીસે તેમની પાસેથી કુલ 2.50 લાખનો મુદ્દામાલ કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
આગામી 31 ડીસેમ્બર અનુસંધાને જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે અને પ્રોહીબિશન અને જુગારની અસામાજીક પ્રવૃતિઓ સદંતર બંધ રહે તે ઉદ્દેશથી ખાસ જુંબેશ હાથ ધરવામાં આવેલી છે. જે અનુસંધાને LCB પીએસઆઈ ડી.એ.તુવર તેમની ટીમ સાથે ખાનગી વાહનમાં નાઇટ પેટ્રોલિંગમાં હતા. દરમ્યાન માહિતી મળી હતી કે, એક ગ્રે કલરની મારૂતી અલ્ટો કાર નંબર GJ 15 CB 8387 માં વિદેશી દારૂ ભરી ભરૂચથી આમોદ તરફ જનાર છે.માહિતીના આધારે ટીમે ભરુચ થી આમોદ જતા રોડ ઉપર વોચ ગોઠવી હતી.
પોલીસે તપાસ દરમ્યાન અમદાવાદ થી મુંબાઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ બ્રીજ નીચેથી ઉપરોક્ત નંબરની વિદેશી દારૂ ભરેલી મારૂતી અલ્ટો કાર ઝડપી પાડી હતી. જેમાંથી ભારતીય બનાવટની નાની-મોટી બોટલ તથા બીયર ટીન મળી કુલ બોટલ નંગ-270 કિંમત રૂપિયા 1,40,440 નો દારૂનો જથ્થો તથા મોબાઈલ નંગ-02 કી.રૂ.10 હજાર તેમજ એક કાર કિંમત રૂપિયા 1,00,000 મળી કુલ કી.રૂ.2,50,410 નો મુદ્દામાલ સાથે વલસાડના જગદીશ મનુભાઇ સોલંકી અને આમોદ નવીનગરીના જાવેદ અબ્દુલ પટેલને ઝડપી પાડ્યો હતો.જ્યારે જબુંસરના મયુર ઉર્ફે લાલો રાણાને વોન્ટેડ જાહેર કરીને કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.



