
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાના શામગહાન વિસ્તારમાં આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ સર્જાયો છે.જગદગુરુ રામાનંદાચાર્ય સ્વામી નરેન્દ્રાચાર્યજી મહારાજ (નાણીજધામ, મહારાષ્ટ્ર) ની પ્રેરણા અને આશીર્વાદથી આયોજિત ત્રિ-દિવસીય ‘શ્રીકથા જ્ઞાન યજ્ઞ’નો અત્યંત ઉત્સાહપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો.કથાના પ્રથમ દિવસે શામગહાન ગામે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી, જેમાં હજારોની સંખ્યામાં હિન્દૂ ભાવિક ભક્તો જોડાયા હતા. ભગવાનના જયઘોષ સાથે સમગ્ર શામગહાનનો પંથક ભક્તિમય બની ગયો હતો. શોભાયાત્રા બાદ વિધિવત આરતી અને પૂજન સાથે કથાનું મંગલ ચરણ કરવામાં આવ્યુ હતું.શ્રી સંપ્રદાયના પ્રવચન ભૂષણ રોહિત મોડે (કથાકાર) દ્વારા પોતાની અમૃત વાણીમાં ‘શ્રીકથા સાગર’નું રસપાન કરાવવામાં આવ્યું હતું. આ કથા જગદગુરુ નરેન્દ્રાચાર્યજી દ્વારા રચિત છે, જેનો મુખ્ય ઉદ્દેશ્ય સામાન્ય જનતામાં ભગવદ જ્ઞાન અને સંસ્કારોનો પ્રસાર કરવાનો છે. કથાના પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં ભક્તોએ કથા શ્રવણનો લાભ લીધો હતો. શામગહાનના ચૌહાણ ફળિયા ખાતે ૧૬ ડિસેમ્બરથી ૧૮ ડિસેમ્બર સુધી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે.આ ધાર્મિક મહોત્સવમાં માત્ર શામગહાન જ નહીં, પરંતુ આસપાસના અનેક ગામડાઓમાંથી સ્વયંભૂ હજારો ભક્તો ઉમટી પડ્યા છે. કથા બાદ તમામ શ્રદ્ધાળુઓ માટે મહાપ્રસાદીનું પણ સુંદર આયોજન કરવામાં આવ્યું છે.સ્થાનિક આયોજકો દ્વારા આગામી બે દિવસ સુધી ચાલનારા આ જ્ઞાન યજ્ઞમાં તમામ વૈષ્ણવજનોને સહપરિવાર પધારવા માટે ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ કાર્યક્રમને પગલે સમગ્ર ડાંગ જિલ્લામાં હાલ ધાર્મિક ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.




