AHAVADANG

ડાંગ જિલ્લા પોલીસની સતર્કતા: લગ્નના ઇરાદે ભગાડી લવાયેલી યુવતીને સાપુતારા પોલીસની ટીમે પરિવારને સોંપી

સાપુતારા ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમિયાન યુવક-યુવતી ઝડપાયા, મહારાષ્ટ્રની વણી પોલીસને સોંપાયા

વાત્સલ્યમ સમાચાર

     મદન વૈષ્ણવ

ડાંગ તા.૨૦ : ડાંગ જિલ્લાના સાપુતારા પોલીસ સ્ટેશનની સતર્ક કામગીરીના પગલે લગ્નના ઇરાદાથી ભગાડી લવાયેલી યુવતીને ગણતરીના કલાકોમાં શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવવામાં સફળતા મળી છે.

પોલીસ મહાનિરીક્ષક પ્રેમવીરસિંહ તથા ડાંગ જિલ્લા પોલીસ અધિક્ષક પૂજા યાદવ ના માર્ગદર્શન હેઠળ ગુમ તથા મિસિંગ થયેલ વ્યક્તિઓને શોધી કાઢવા જિલ્લા પોલીસ દ્વારા સતત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

આ કામગીરી અંતર્ગત નાયબ પોલીસ અધિક્ષક (આહવા વિભાગ)ના માર્ગદર્શન હેઠળ સાપુતારા પોલીસ સ્ટેશન ના પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સાંખલા અને સ્ટાફ દ્વારા તા. ૧૮ મે ૨૦૨૬ના રોજ વહેલી સવારે સાપુતારા ચેકપોસ્ટ ખાતે વાહન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.

ચેકિંગ દરમિયાન મહારાષ્ટ્ર તરફથી ગુજરાત તરફ આવતી હીરો સ્પ્લેન્ડર મોટરસાયકલ (નં. MH-15-JE-3848)ને અટકાવી તપાસ કરતા એક યુવક, અન્ય એક ઇસમ તથા એક યુવતી સવાર હોવાનું સામે આવ્યું હતું. પૂછપરછ દરમિયાન શંકા જતાં ત્રણેયને વધુ તપાસ માટે પોલીસ સ્ટેશન ખાતે લાવવામાં આવ્યા હતા.

ઉંડાણપૂર્વકની પૂછપરછમાં ખુલ્યું હતું કે યુવક યુવતીને લગ્ન કરવાના ઇરાદાથી તેના વાલીપણામાંથી ભગાડી લાવ્યો હતો. ત્યારબાદ મહારાષ્ટ્ર રાજ્યના નાસિક જિલ્લાના વણી પોલીસ સ્ટેશન નો સંપર્ક સાધી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.

પોલીસ દ્વારા યુવતીનું તેના પરિવાર સાથે સુરક્ષિત મિલન કરાવી યુવક તથા યુવતીનો કબ્જો વણી પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલ એસ.એન. બચ્છાવને સોંપવામાં આવ્યો હતો.

આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સ્પેક્ટર કે.બી. સાંખલા ઉપરાંત પોલીસ કોન્સ્ટેબલ સર્વમ નીતિશભાઈ પદમાભાઈ, કમલેશભાઈ વેલાભાઈ તથા મહિલા કોન્સ્ટેબલ રેખાબેન સેમાભાઈએ પ્રશંસનીય કામગીરી બજાવી હતી.

Back to top button
error: Content is protected !!