
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં આહવા તાલુકામાં આવેલા ધૂળચોંડ ગામમાં તસ્કરોએ ખેડૂતોને નિશાન બનાવ્યા હોવાની ઘટના સામે આવી છે. નદી કિનારેથી ખેતર સુધી સિંચાઈ માટે નાખવામાં આવેલા ઇલેક્ટ્રિક વાયરોની રાત્રિ દરમિયાન ચોરી થતા ખેડૂતોમાં ભારે રોષ અને ચિંતા જોવા મળી રહી છે.ધૂળચોંડ ગામના ખેડૂત સીતારામભાઈ મંગળભાઈ ગાવિતે આહવા પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ નોંધાવી છે.ફરિયાદ અનુસાર, તારીખ 20 માર્ચ 2026ની રાત્રિ દરમિયાન કોઈ અજાણ્યા તસ્કરોએ ખેતરમાં પાણી ખેંચવા માટે લગાવેલા મોટર કનેક્શનના વાયરોની ચોરી કરી છે.આ ચોરી માત્ર એક ખેતરમાં નહીં, પરંતુ ગામના અન્ય ખેડૂતોના ખેતરમાં પણ થઈ છે.સીતારામભાઈ મંગળભાઈ ગાવિત,સીતારામભાઈ લાશુભાઈ ગાવિત,જાનુભાઈ દેબીયાભાઈ ગવળીનાં ખેતરમાંથી ચોરી થયેલ છે.અત્યારે કાળઝાળ ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે ખેતીના પાકને પાણીની સખત જરૂરિયાત હોય છે. વાયર ચોરાઈ જવાને કારણે મોટર ચલાવી શકાતી નથી, જેના લીધે ખેડૂતોનો તૈયાર પાક સુકાઈ જવાની અને મોટું આર્થિક નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે.ત્યારે આ ખેડૂતોએ આહવા પોલીસ સ્ટેશનમાં અરજી આપીને માંગ કરી છે કે,ધૂળચોંડ ગામની સીમમાં સઘન તપાસ કરવામાં આવે,ચોરી કરનાર શખ્સોને વહેલી તકે ઝડપી પાડવામાં આવે,ચોરાયેલો મુદ્દામાલ પરત અપાવી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે.હવે જોવાનું એ રહે છે કે પોલીસ આ દિશામાં કેટલી ઝડપથી તપાસ હાથ ધરી તસ્કરોને જેલના સળિયા પાછળ ધકેલે છે..





