
વાત્સલ્યમ સમાચાર
મદન વૈષ્ણવ
ડાંગ જિલ્લાનાં ઉત્તર વન વિભાગ દ્વારા સુબિર રેંજનાં કાંગર્યામાળ ખાતે “એક પેડ માં કે નામ” થીમ હેઠળ એક વિશાળ વૃક્ષારોપણ કાર્યક્રમનું આયોજન કરવામા આવ્યુ હતુ.રાજ્યકક્ષાનાં વન મંત્રી મુકેશભાઈ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલા આ કાર્યક્રમમાં કુલ 11,111 વૃક્ષોનું વાવેતર કરીને 1 હેક્ટર વિસ્તારમાં વન કવચ બનાવવામાં આવ્યું છે.અહી વનમંત્રી મુકેશભાઈ પટેલે પ્રજાજનોને સંદેશ આપતા જણાવ્યુ હતુ કે ડાંગ જિલ્લાનું જનજીવન જંગલો સાથે જોડાયેલ છે.અને અહીનું જનજીવન જંગલોની કાળજી પણ કરે છે.તેઓએ જણાવ્યુ હતુ કે અગાઉ સાપુતારા અને લવચાલીનાં કરજંડામાં નિર્માણ કરાયેલ વનકવચ જંગલોની ઉપમા સાથે ખરા અર્થમાં સાર્થક થયા છે.તેવીજ રીતે આવનાર દિવસોમાં પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે કાંગર્યામાળનું વનકવચ એક ડેસ્ટિનેશન બની રહેશે.આ કાર્યક્રમમાં રાજ્યકક્ષાના વન મંત્રી મુકેશભાઈ પટેલ,ધારાસભ્ય વિજયભાઈ પટેલ, જિલ્લા પંચાયતનાં પ્રમુખ નિર્મળાબેન ગાઈન, પાર્ટી પ્રમુખ કિશોરભાઈ ગાવીત, વલસાડ વન વર્તુળનાં મુખ્ય વન સંરક્ષક ડો. બી. સૂચિન્દ્રા, ઉત્તર ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ. એમ.એલ. મીના (IFS), દક્ષિણ ડાંગ વન વિભાગનાં ડી.સી.એફ. નીરજકુમાર (IFS), એસીએફ સર્વેમાં આરતીબેન ડામોર,રાહુલ પટેલ, પરેશભાઈ ગાયકવાડ, અને તમામ આર.એફ.ઓ. સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કર્યુ હતુ.ડાંગ ઉત્તર વન વિભાગનાં ડી.સી.એફ.એમ.એલ. મીનાના માર્ગદર્શન હેઠળ, સુબિર રેંજના આર.એફ.ઓ. પ્રિતેશભાઈ ગામીતની ટીમે કાંગર્યામાળ ખાતે વિવિધ વૃક્ષોનાં રોપા રોપી વનકવચનું નિર્માણ કરાયુ છે.ડાંગ જિલ્લાનાં શબરીધામ સુબિર અને પંપાસરોવર નજીક આવેલા કાંગર્યામાળ ખાતે 1 હેક્ટર જમીનમાં 107 જેટલી વિવિધ પ્રજાતિઓના વૃક્ષો વાવવામાં આવ્યા છે.આ વન કવચ ભવિષ્યમાં ગાઢ જંગલ બનીને પ્રકૃતિપ્રેમીઓ અને પ્રવાસીઓ માટે એક નવું આકર્ષણનું કેન્દ્ર બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી છે.આ કાર્યક્રમમાં ઉપસ્થિત તમામ મહેમાનો,ગ્રામજનો સહીત વિદ્યાર્થીઓએ વૃક્ષારોપણ કરીને એક પેડ માં કે નામનાં અભિયાનને ટેકો આપી હરિયાળા વનનું સૂત્ર સાર્થક કર્યુ હતુ..





