દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી દ્વારા ભિલોડા તાલુકાના ઉબસલ અને કલ્યાણપુર ખાતે ખેડૂત શિબિરનું આયોજન કરાયું

11 જાન્યુઆરી જીતેશ જોષી પાલનપુર બનાસકાંઠા
સરદાર કૃષિનગર દાંતીવાડા કૃષિ યુનિવર્સિટીના વિસ્તરણ શિક્ષણ નિયામકશ્રીની કચેરી હસ્તક અમલમાં રહેલી “નોલેજ ડિસેમિનેશન થ્રુ ડિસ્ટન્સ લર્નિંગ” યોજના અંતર્ગત ભિલોડા તાલુકાના ઉબસલ તથા કલ્યાણપુર ગામે એક દિવસીય ખેડૂત તાલીમ-વ-શિબિરનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ બંને શિબિરમાં આસપાસના ગામોના મળીને અંદાજે ૧૩૦ જેટલા ખેડૂતોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.આ શિબિરમાં શ્રી એસ.એમ. પટેલ, મદદનીશ પ્રાધ્યાપક અને યોજના ઇન્ચાર્જ દ્વારા કૃષિ યુનિવર્સિટીની કામગીરી, ખેડૂતો માટે ચાલતી વિવિધ યોજનાઓ તથા નવી ટેકનોલોજી વિશે સરળ ભાષામાં માહિતી આપવામાં આવી હતી. તેમણે ખેડુતોને યુનિવર્સિટી સાથે સતત સંપર્કમાં રહી વૈજ્ઞાનિક સલાહનો લાભ લેવા અપીલ કરી હતી.આ પ્રસંગે ડો. બી.આર. નાકરાણી, સહ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા શિયાળુ પાકોમાં રોગ-જીવાતથી બચાવ માટે સંકલિત નિયંત્રણ પદ્ધતિ તથા પ્રાકૃતિક ખેતીના લાભો અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ઉપરાંત ડો. આર.એમ. પટેલ, મદદનીશ સંશોધન વૈજ્ઞાનિક દ્વારા શિયાળુ મકાઈની વૈજ્ઞાનિક ખેતી પદ્ધતિ, સુધારેલ જાતો, ખાતર વ્યવસ્થાપન અને ઉત્પાદન વધારવાના ઉપાયો અંગે વિગતવાર માહિતી આપવામાં આવી હતી.
શિબિર દરમિયાન ખેડુતોએ પોતાના પ્રશ્નો રજૂ કરી નિષ્ણાતો પાસેથી માર્ગદર્શન મેળવ્યું હતું, જેનાથી ખેડૂતોમાં નવી ખેતી પદ્ધતિ અપનાવવાનો ઉત્સાહ જોવા મળ્યો હતો. અંતમાં શ્રી પી.એમ. કળોતરા, ખેતી મદદનીશ દ્વારા ખેડૂતોની નોંધણી કરવામાં આવી હતી અને શ્રી એસ.એમ. પટેલ દ્વારા આભારવિધિ કરીને શિબિરનું સમાપન કરવામાં આવ્યું હતું.






